થરાદ પંથકમાં સંતો – મહંતોની નજીક ગણાતા અને ધર્મ અને સેવાભાવિ ગણાતા એવા વેપારીની દુકાનમાંથી ડુપ્લીકેટ ખાદ્યતેલ મળતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને પંથકની ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારી સામે ટીકા વરસાવી હતી. જેમાં થરાદ પંથકમાં તંત્રની મીઠી નજર હેઠળ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
નકલી કારોબાર કરનારા વેપારીઓ વધુ નફો રળી લેવાની લ્હાયમાં લોકોના આરોગ્યને જોખમમાં મુકી રહ્યા છે. આજકાલ થરાદની બજારોમાં બેફામ રીતે નકલી તેલ વેચાઈ રહ્યું છે. કિંમત ઓછી હોવાને કારણે લોકો આડેધડ તેની ખરીદી કરી રહ્યા છે. પરંતુ લોકો અસલી અને નકલી તેલ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી નકલી તેલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે.
અમરેલીની એન. કે. પ્રોટીન્સ પ્રા.લિ.ના હિરેન નીતિનકુમાર ગોહિલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે થરાદ નગરમાં તેમની નામી બ્રાન્ડના કપાસિયા તેલના નામે ડુપ્લીકેટ થઈ રહું છું છે. તેમની બ્રાન્ડની આડમાં ડુપ્લીકેટ તેલના ડબ્બાઓ બજારમાં વેચાઈ રહ્યા છે. તેથી પોતાની ટીમ સાથે થરાદ જૈન વરખડીના આગલાના ભાગમાં આવેલા રામદાસભાઈ શંકરભાઈ પ્રજાપતિ(ભવાની કિરણા સ્ટોર્સ), જોધાભાઈ માવાભાઈ પ્રજાપતિ (ગંગોત્રી પ્રોવિઝન સ્ટોર્સ), હકમદાન રાણીદાન ગઢવી(ચામુંડા કિરાણા સ્ટોર્સ)માં પોલીસ સ્ટાફ સાથે જે તે દુકાનોમાં જઈ અને ત્યાં દુકાનોમાં પડેલા કપાસિયા ખાદ્યતેલના ડબા ચેક કર્યા હતા. જે ડબ્બાઓ કંપનીના ડબાથી અલગ હતા અને તેની ઉપર લગાવેલા પોસ્ટર અને સીલ પણ ડુપ્લીકેટ હોવાનું સામે આવતા પોલીસે મુદ્દામાલ સાથે વેપારીઓ ઉપર ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.