થરાદમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો છે. આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે હાલમાં થરાદ ખેતીવાડીની ટીમે ખાતરના ગોડાઉનને નોટીસ ફટકારી છે.
આશીર્વાદ એગ્રો સેન્ટર સામે કાર્યવાહી કરવાની ખેડૂતોની માગ
જો કે ખેતીવાડી વિભાગની આ પ્રકારની કામગીરી સામે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ખેડૂતો માત્ર નોટિસ નહીં પણ આશીર્વાદ એગ્રો સેન્ટર સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. કારણ કે આ આશીર્વાદ એગ્રો સેન્ટર દ્વારા હલકી ગુણવત્તાના ખાતરનું વેચાણ કરતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે.
ગઢડાના ઉગામેડી ગામે ખેડૂતને ખાતરની થેલીમાંથી રેતી જેવો પદાર્થ નીકળતા ફરિયાદ
થોડા દિવસ પહેલા જ ગઢડા(સ્વામીના) તાલુકાના ઉગામેડી ગામે એક ખેડૂતે એગ્રો સેન્ટરની દુકાનેથી 25 થેલી એરંડીના ખોળ ખાતરની ખરીદી કર્યા બાદ ખાતરની થેલીમાંથી રેતી જેવો પદાર્થ નીકળતા ખેતીવાડી અધિકારી સહિતને જાણ કરીને ફરિયાદ કરતા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા ખેડૂત શૈલેષભાઈ મોરડીયાએ ઉગામેડી ગામમાં આવેલી સરદાર એગ્રો નામની દુકાનેથી 25 થેલી એરંડી ખોળ ખાતરની ટી.જે કંપનીના માર્કાવાળી ખરીદી હતી.
સંચાલકે નમૂનો લઈને જૂનાગઢ ખાતે કંપનીમાં મોકલી આપ્યો
આ ખાતર ખરીદ કર્યા બાદ પોતાના ખેતરના પાકમાં 23 થેલી ખાતર નાખી અને બે થેલી ખાતર ડ્રીપ મારફતે નાખવા માટે પાણીમાં ઓગાળવા રાખ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન બધુ ખાતર પાણીમાં નહીં ઓગળતા ખાતરની સાથે મોટા પ્રમાણમાં રેતી જેવો પદાર્થ હોવાનું જણાયુ હતુ. જેમાં 50 કિલોની થેલીમાં અંદાજે 20 કિલો જેટલી રેતી જેવો પદાર્થ હોવાનું સામે આવ્યું. જેને લઈને ખેડૂતે એગ્રોના સંચાલકને ફરિયાદ કરી હતી અને સંચાલકે નમૂનો લઈને જૂનાગઢ ખાતે કંપનીમાં મોકલી આપ્યો હતો.
128 થેલીનો જથ્થો વેચાણ માટે અટકાવી દેવાયો
બીજી તરફ ખેડૂતો સાથે છેતરપિંડી અને ઉઘાડી લૂંટ થવાની આશંકા વ્યક્ત કરી ખેડૂતે ખેતીવાડી અધિકારી સમક્ષ ફરિયાદ કરી અને આ ફરિયાદના પગલે બોટાદ ખેતીવાડી વિભાગના અધિકારીની ટીમે ઉગામેડી ગામે સરદાર એગ્રો સેન્ટરે પહોંચીને તપાસ આદરી હતી. આ તપાસ દરમિયાન ખાતરના નમૂના લઈને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવા માટે તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ રૂપિયા 1 લાખ 4 હજારની કિંમતના ખાતરની 128 થેલીનો જથ્થો સ્ટોપ સેલ કરીને એગ્રો સેન્ટરનું લાઈસન્સ 1 મહિના માટે સ્થગિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.