સુરેન્દ્રનગર શહેરના આંબેડકરનગર, પોપટપરા, ચોટીલાના ખાટડીમાં પોલીસે દારૂની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં દેશી-વિદેશી દારૂ અને બીયરના ટીન સહિત રૂપીયા 3,94,986નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ બનાવમાં 4 આરોપીઓ ઝડપાયા છે, જયારે હાજર ન મળી આવનાર 2 આરોપીઓની પોલીસે શોધખોળ આદરી છે.
સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ ટીમના એન.ડી.ચુડાસમા, અજીતસીંહ, બળદેવસીંહ, દિનેશભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન રીવરફ્રન્ટ પાસે આંબેડકરનગરમાં રહેતો હિતેશ ઉર્ફે બોટી કનુભાઈ દુલેરા તેના રહેણાક મકાન પાસે આવેલ હાર્દીક વિનોદભાઈ પરમારના રહેણાક મકાનમાં દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દારૂની 572 બોટલો કિંમત રૂપીયા 3,62,736નો મુદ્દામાલ ઝડપાયો હતો. હાજર ન મળી આવનાર બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એ.આર.ડાંગર ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ ટીમના મહાવીરસીંહ બારડ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન પોપટપરામાં વજે માસ્તરની શેરીમાં રહેતો યાસીન શેરમહમદભાઈ કાજડીયા પોતાના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે તપાસ કરતા વિદેશી દારૂના 4 ચપલા કિંમત રૂપીયા 600ના ઝડપાયા હતા. આ રેડ કરી પોલીસ આરોપીના ઘરેથી નીકળી પોલીસ મથક તરફ જતી હતી. ત્યારે રસ્તામાં યાસીન ઉર્ફે ગાંડો શેરમહમદભાઈ કાજડીયાને છરી સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલ આરોપી સામે પ્રોહીબીશન અને હથીયાર બંધીના જાહેરનામા ભંગની અલગ-અલગ ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
બીજી તરફ નાની મોલડી પોલીસ ટીમને ખાટડી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દીલીપ વલકુભાઈ વનરા અને કરણ ગભરૂભાઈ સાગઠીયા ઝડપાયા હતા.
પોલીસે 480 લીટર દારૂ બનાવવાનો આથો કિંમત રૂપીયા 12 હજાર, 87 લીટર દેશી દારૂ કિંમત રૂપીયા 18,400 અને સાધનો મળી કુલ રૂપીયા 31,400નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના પોપટપરાના નાકા પાસેથી સોનાપુર રોડ પર રહેતો હિંમત દાનાભાઈ વાળા બીયરના 2 ટીન કિંમત રૂપીયા 250 સાથે ઝડપાયો હતો.