લખતર તાલુકાના તલવણી ગામના યુવાન સામે મારામારી અને દારૂના અનેક ગુના નોંધાયા હતા. ત્યારે પોલીસે આ શખ્સને હદપાર કરવા નાયબ કલેકટરમાં દરખાસ્ત કરી હતી. જેમાં તા. 27-9ના રોજ દરખાસ્ત મંજુર કરી નાયબ કલેકટરે આરોપીને 6 માસ માટે 8 જિલ્લામાંથી હદપારી કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે આ શખ્સ ફરી તેના ગામમાં હોવાની બાતમી મળતા લખતર પોલીસે તેને ઝડપી લઈ હદપારી ભંગનો ગુનો નોંધ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રીઢા આરોપીઓ સામે પોલીસ હદપારી અને પાસાનું શસ્ત્ર ઉગામે છે. ત્યારે લખતર તાલુકાના તલવણી ગામના વીકી સાગરભાઈ ચોવીસીયા સામે દારૂ અને મારામારીના ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. આથી જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાની સુચનાથી લખતર પીઆઈ વાય.પી.પટેલે આરોપીની વઢવાણ નાયબ કલેકટર એન.ડી.ધુળા સમક્ષ હદપારીની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત તા. 27-9-24ના રોજ નાયબ કલેકટરે મંજુર કરી હતી. જેમાં રીઢા આરોપી 37 વર્ષીય વીકી સાગરભાઈ ચોવીસીયાને સુરેન્દ્રનગર ઉપરાંત બોટાદ, રાજકોટ, અમદાવાદ, કચ્છ, મોરબી, પાટણ અને મહેસાણા સહિત 8 જિલ્લામાંથી 6 માસ માટે હદપારી કરવાનો હુકમ કર્યો હતો. લખતર પોલીસની ટીમે હદપારીના વોરંટની બજવણી કરી હતી. અને વીકી ચોવીસીયાને ગાંધીનગર જિલ્લાની હદમાં છોડી મુકાયો હતો. ત્યારે આ શખ્સ તલવણીમાં હોવાની બાતમી લખતર પોલીસને મળી હતી. આથી પોલીસે રેડ કરતા વીકી ચોવીસીયા દાઢી કરતો પોલીસના હાથે પકડાયો હતો. તેની સામે લખતર પોલીસ મથકે હદપારી ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.