સમગ્ર રાજયમાં અનુદાનીત હાઈસ્કૂલોમાં આચાર્યની ભરતી સરકાર કરી રહી છે. જેમાં સમગ્ર રાજયની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આચાર્યની ભરતી માટે ઈન્ટરવ્યુની શરૂઆત થઈ છે. સુરેન્દ્રનગરની વનવર્લ્ડ હાઈસ્કૂલમાં તા. 6ઠ્ઠી જાન્યુઆરીને સોમવારથી શરૂ થયેલ ઈન્ટરવ્યુ પ્રક્રિયા આગામી તા. 3જી ફેબ્રુઆરી સુધી ચાલશે.
જેમાં ઝાલાવાડમાં પ્રથમ ઓર્ડર વીસાવડી હાઈસ્કૂલના આચાર્યને અપાયો હતો.રાજયની અનુદાનીત હાઈસ્કુલોમાં આચાર્યની જગ્યાઓ ખાલી હોવાથી ઈન્ચાર્જ આચાર્યની કામ ચાલતુ હતુ. ત્યારે સરકારે વર્ષ 2024ના જુલાઈ માસમાં આચાર્યોની ભરતી કરવાનો નીર્ણય કર્યો હતો. જેમાં ફોર્મ ભરવાની કાર્યવાહી, મેરીટ યાદી, શાળા પસંદગી, કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ સરકાર દ્વારા તા. 03-1-25થી સમગ્ર રાજયમાં આચાર્યની ભરતી માટેના ઈન્ટરવ્યુ ગોઠવવાનું આયોજન ગત તા. 3-1થી કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 6-1-25થી 3-2-25 સુધી શહેરની વનવર્લ્ડ હાઈસ્કૂલમાં ઈન્ટરવ્યુ યોજાનાર છે. સોમવારે ઈન્ટરવ્યુની શરૂઆત દસાડા તાલુકાના વીસાવડી ગામની સુરભી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલથી થઈ હતી. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝા, શિક્ષણ નિરીક્ષક કે. એન. બારોટ, સંચાલક મંડળના મોહનભાઈ ચાવડા, જાગૃતીબેન ચાવડા સહિતનાઓએ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા. જેમાં દસાડાના આદરિયાણા ગામના નરેશકુમાર રણછોડભાઈ ભાલૈયાને વીસાવડી હાઈસ્કૂલના આચાર્ય તરીકે પસંદ કરાયા હતા અને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે તેઓને ઓર્ડર અપાયો હતો.
ઉમેદવારને તા. 14મીથી તા. 21મી ફેબ્રુઆરી દરમિયાન શાળામાં હાજર થવા ફરમાન
ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં આચાર્યના ઈન્ટરવ્યુ બાદ પ્રથમ ક્રમે આવેલા ઉમેદવારને નિમણુક પત્ર આપી દેવાયા છે. પરંતુ સમગ્ર રાજયમાં એક સાથે ઈન્ટરવ્યુ યોજાનાર હોઈ અને ઉમેદવારે એક કરતા વધુ જગ્યાઓ પસંદ કરી હોય પસંદ થયેલા ઉમેદવારને તા. 14મીથી તા. 21મી ફેબ્રુઆરી દરમિયાન શાળામાં હાજર થવા ફરમાન જારી કરાયુ છે. આ દરમીયાન જો તેઓ અન્ય શાળામાં આચાર્ય પદના ઈન્ટરવ્યુમાં હાજર રહે અને ત્યાં પ્રથમ નંબરે પસંદ થાય તો નીમણુંક અપાયેલ શાળાનો આચાર્ય પદનો હુકમ આપોઆપ રદ્દ થઈ જશે.
શાળા સંચાલક મંડળ ઉમેદવારને ન સ્વીકારે તો ગ્રાંટ કાપની જોગવાઈ
અનુદાનીત હાઈસ્કૂલોમાં આચાર્યના ઈન્ટરવ્યુ વખતે અધિકારીઓ સાથે સંચાલક મંડળના બે સભ્યો પણ હાજર હોય છે. તેમ છતાં ઉમેદવારને જયારે હાજર થવાનું હોય છે. ત્યારે અમુક સંચાલકો તેઓને હાજર કરતા નથી. આવા કિસ્સામાં શાળા સંચાલક મંડળને ઈન્ટરવ્યુ સમયે અપાયેલ ભલામણપત્રનો અમલ ન કરનાર શાળાઓ સામે ગ્રાંટ કાપ સુધીની જોગવાઈઓ રહેલી છે.