રાજય સરકારે વર્ષ 2025ના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા સહિત રાજયની 9 નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરી હતી. જેમાં તે જ દિવસે મોડી સાંજે કમીશ્નરના ઓર્ડર પણ કરી દેવાયા હતા.
જેમાં સુરેન્દ્રનગરના કમીશ્નર તરીકે ભાવનગર જિલ્લા વિકાસ અધીકારી જી. એચ. સોલંકીને મુકાયા હતા. નીમણુંકના એક સપ્તાહ સુધી કમીશ્નરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો ન હતો. ત્યારે ચાર્જ સંભાળતા પહેલા જ ફરીવાર બદલીના ઓર્ડર થયા હતા. મંગળવારે મોડી સાંજે થયેલા આ ઓર્ડરમાં સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશ્નરને નડિયાદ મનપાના કમીશ્નર તરીકે મુકાયા છે. જયારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેને સુરેન્દ્રનગર કમીશ્નર પદે નીયુકત કરાયા છે. બીજી તરફ મનપામાં નગર નિયોજક તરીકે કલાસ-1 અધિકારી સ્વપ્નીલ વૈજનાપુરકરને પણ નીયુકત કરાયા છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા મ્યુનિ. કમીશ્નર તરીકે આવનાર નવનાથ ગવ્હાણે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે અગાઉ તા.22-06-2021થી તા. 31-12-2021 સુધી ફરજ બજાવી ચૂકયા છે. સુરેન્દ્રનગર મનપામાં નિમણુંક સાથે અધિકારીઓને ચેમ્બર પણ ફાળવી દેવાઈ છે. જેમાં પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં કમીશ્નર નવનાથ ગવ્હાણે, ઉપપ્રમુખની ચેમ્બરમાં ડેપ્યુટી કમીશ્નર એ. આર. ચાવડા, ચીફ ઓફીસરની ચેમ્બરમાં ડેપ્યુટી કમીશ્નર એસ. કે. કટારા, ઈજનેરની ચેમ્બરમાં સિટી એન્જીનીયર કલ્પેશ ચૌહાણ, કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં નગર નિયોજક સ્વપ્નીલ વૈજનાપુરકર બેસશે.