સાયલા અને જોરાવરનગરમાં શનીવારે રાત્રે તસ્કરોએ બંધ ઘરને નીશાન બનાવ્યા હતા. જેમાં જોરાવરનગરમાં ભાણીના લગ્નમાં ગયેલા બ્રાહ્મણ પરીવારના ઘરે તસ્કરો રૂપીયા 1,48,300ની મત્તા લઈ ગયા છે. બીજી તરફ સાયલાના પાનવાડી વિસ્તારમાં 3 રહેણાક મકાનોમાંથી નીશાચરો રોકડ અને ઘરેણા મળી રૂપીયા 3,29,800ની મત્તા ચોરી કરી લઈ ગયા છે.
જોરાવરનગરના નીલકંઠ મહાદેવ મંદીર પાછળ રહેતા રાજેશભાઈ નવીનચંદ્ર દવે વઢવાણ જીઆઈડીસીમાં એસકેપી બેરીંગમાં નોકરી કરે છે. અમદાવાદ રહેતા તેમના બહેનની દિકરીના લગ્ન હોઈ તેઓ પરીવાર સાથે ગયા હતા. ત્યારે બંધ ઘરને નીશાન બનાવી તસ્કરો ખાબકયા હતા. અને સોના-ચાંદીના ઘરેણા સહિત રૂપીયા 1,48,300ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ ઉપરાંત જોરાવરનગરના દેરાસર ચોકમાં રહેતા રામપ્રસાદ ખોડીદાસના ઘરે પણ તસ્કરોએ ચોરીએ અંજામ આપ્યો હતો. જોકે, આ ચોરીનો આંક હજુ સુધી બહાર આવ્યો નથી. બન્ને બંધ મકાનમાં ચોરીની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યા છે. બીજી તરફ સાયલાના પાનવાડી વિસ્તારમાં 3 મકાનમાં ચોરીની ઘટના બની હતી. જેની હરેશ વિરજીભાઈ સોનગરાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ કે, તેઓ પરીવાર સાથે વઢવાણ ફૈબાના દિકરાના લગ્નમાં ગયા હતા. ત્યારે તસ્કરોએ ચોરી કરી હતી. જયારે તેમના વિસ્તારમાં રહેતા મનસુખભાઈ પ્રેમજીભાઈ પરમાર અને ભાનુબેન ગણપતભાઈ ચાવડાના ઘરે પણ ચોરી થઈ હતી. ત્રણેય ઘરમાંથી નીશાચરો રોકડા રૂપીયા 2.60 લાખ, 69,800ના ઘરેણા સહિત રૂપીયા 3,29,800ની મત્તા ચોરી કરી ગયા છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ આર.જે.ગોહીલ ચલાવી રહ્યા છે.