થાનગઢ તાલુકાના સરોડી ગામના ચોરા પાસે બહેનની છેડતી કરતા હોવાની દાઝ રાખી છેડતી કરનારા ઉપર છરી વડે હુમલો કરતા સમયે વચ્ચે છોડાવવા પડેલ યુવકને છરી મારી દેતા હોસ્પિટલમાં ખસેડતા હાજર ડોકટરે યુવકને મૃત જાહેર કરતા હુમલો કરનાર યુવક સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર જર, જોરુ અને જમીન મામલે વારંવાર હત્યા, ઝઘડા, અપહરણ સહિતની ઘટના બનતી હોય છે. ત્યારે થાનગઢના સરોડી ગામના ગોપાલ વિનુભાઈ મેતાલીયાની બહેનને ગામનો જ સુરા નાથાભાઈ અવારનવાર છેડતી કરી હેરાન કરતો હોય અને ધૂળેટીના દિવસે પણ સાથે હોળી રમેલ હોવાથી દાઝ રાખી યુવક ગામના ચોર પાસે હતો ત્યારે યુવતીના ભાઈ ગોપાલ મેતાલીયાએ સુરા નાથાભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. પરંતુ આ સમયે ગામના જ મનસુખભાઈ ભુપતભાઈ સરવૈયા ત્યાં હાજર હોવાથી છરી પકડી રાખી હતી. આ સમયે ગોપાલે છરી મનસુખભાઈના ગળાના ભાગે મારી દીધી હતી. આ સમયે મનસુખભાઈના ભાઈ શંકરભાઈ ગલ્લે જતા સમયે ટોળું જોતા ત્યાં જઈ જોતા ભાઈને લોહીલુહાણ જોતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા હાજર ડોકટરે મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. આ બાબતની મૃતકના ભાઈ શંકરભાઈ ભુપતભાઈ સરવૈયાએ ગામના જ ગોપાલ વિનુભાઈ મેટાળીયા સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ બાબતની આગળની તપાસ થાનગઢ પોલીસ ચલાવી રહી છે. ઘટનામાં ધરમ કરતા ધાળ પડયા જેવું બન્યું હતું. જે યુવક ગામની યુવતીની છેડતી કરતો હતો જેથી એના ભાઈએ છેડતી કરનાર ઉપર હુમલો કર્યો હતો. પરંતુ એ આબાદ બચી ગયો અને તેને બચાવવા માટે વચ્ચે પડેલ યુવક હુમલાનો ભોગ બનતા મોતને ભેટતા પંથકમાં ચકચારની લાગણી પ્રસરી હતી.