ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર નવા ડિવાઈડર બનાવ્યા બાદ લોખંડની ગ્રીલ નાંખવાની ચાલુ કરી દેવાઈ છે. પરંતુ ગ્રીલ નાખ્યા બાદ એક સાઈડથી સામે વાહન ક્રોસ કરતા સમયે કઈ દેખાતું જ નથી. જેના કારણે વાહન સામે કાઢતા સમયે વારંવાંર અકસ્માત સર્જાય છે.
આ બાબત પાલિકા પ્રમુખના ધ્યાને આવતાની સાથે જ નખાયેલી ગ્રીલ નીચી કરવાની કામગીરી શરુ કરી દીધી છે અને એમ છતાંય વિઝન કમ્પલેટ નહીં થાય તો જ્યાં અવરજવર માટે ખાલી જગ્યા રખાઈ છે. ત્યાં નજીકની ગ્રીલ કાઢવામાં પણ આવશે. સાથે જે જગ્યાએ ગ્રીલ નાખવાની બાકી છે એ કામગીરી પણ અટકાવી દેવાઈ છે. બીજી તરફ્ શહેરના રોકડિયા સર્કલથી ભગવતધામ સુધીનો રોડ ઘણા લાંબા સમયથી અતિ બિસ્માર થયો હોવા છતાંય ધારાસભ્ય પ્રકાશ વરમોરાને ચૂંટાયાને બે વર્ષ થવા છતાય રોડ નહી બનતો હોવાથી લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી રોષ વ્યક્ત કરી જિલ્લા કલેકટર દ્વારા સમસ્યા ઉકેલવા માટે ગાંધીનગર સુધી રિપોર્ટ કરી નવો રોડ બનાવાય એવી માંગ ઉઠી છે. આ અંગે પાલિકા પ્રમુખ કુલદીપસિહ ઝાલાએ જણાવેલ કે ગ્રીલ ઉચી હોવાથી રોડ ક્રોસ સમયે વાહન દેખાતા નથી. જેથી હાલ ગ્રીલ નીચી કરવા કામગીરી શરુ કરી દેવામાં આવી છે.