સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધૂકા હાઈવે, રાજકોટ-અમદાવાદ હાઈવે પર બલદાણા પાસે અને સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં લીંબડી-ધંધુકા હાઈવે પર બોરણા જતી રીક્ષાને ડમ્પરે ઠોકર મારતા બે વ્યક્તિના મોત થયા છે. અકસ્માતના બે બનાવમાં કુલ પાંચ વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલમાં લઈ જવાયા છે.
લીંબડી તાલુકાના બોરણા ગામની રિક્ષામાં મુસાફરો લીંબડીથી બોરણા જઈ રહ્યા હતા. ત્યારે ડુંગર તલાવડી પાસે પુરપાટ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતા બોરણાના હર્ષદીપસીંહ રાણા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં મુળ કંથારીયાના અને હાલ બોરણા રહેતા પ્રવીણસીંહ બાપાલાલ રાણા અને દેવુબેન ઘનશ્યામભાઈ મેટાલીયાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે 108 દ્વારા ઈજાગ્રસ્તો માવજીભાઈ ખોડાભાઈ રાઠોડ, રામુબેન માવજીભાઈ રાઠોડ અને રંજનબેન અરજણભાઈને રાઠોડને સારવાર માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ દવાખાને દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોના નિવેદનને આધારે ફરાર ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
બીજી તરફ મહીસાગર જિલ્લાના ખાનપુરમાં રહેતા રાજેન્દ્ર વિઠ્ઠલદાસ લુહાર તા. 9મીએ રાત્રે અમદાવાદથી ડીમાર્ટનો સામાન ભરીને રાજકોટના ક્રીસ્ટલ મોલમાં ખાલી કરવા ગયા હતા. જયાંથી અમદાવાદ પરત આવતા સમયે ગોંડલ ચોકડીએથી અન્નપુર્ણા રોડવેઝમાંથી પરચુરણ સામાન ભર્યો હતો. અને તા.10મીએ રાત્રે અમદાવાદ તરફ આઈશર ટ્રક લઈને પરત આવતા હતા. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે સામેથી આવતા એક આઈશરના ચાલકે પુરઝડપે ચલાવી ડીવાઈડર કુદાવી રાજેન્દ્રભાઈના આઈસર ટ્રક સાથે અકસ્માત કર્યો હતો. બનાવમાં બન્ને વાહનના ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવનીવઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ. વી. દવે ચલાવી રહ્યા છે.