સુરેન્દ્રનગર જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારો અનુલક્ષીને શહેરમાં ખરીદી ખુલી છે. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં લોકો ધાણી, દાળીયા, ખજુર અને પીચકારીની મોટાપાયે ખરીદી કરતા જોવા મળ્યા હતા. વેપારીઓના જણાવાયા મુજબ આ વર્ષે ધાણી, દાળીયા અને પીચકારીના ભાવ ગત વર્ષ કરતા નજીવા વધ્યા છે. હોળી-ધુળેટીની ખરીદી ખુલતા વેપારીઓના મોં પર આનંદ જોવા મળતો હતો.
ઝાલાવાડમાં રંગોનો તહેવાર હોળી-ધૂળેટી ઉત્સાહપુર્વક ઉજવાય છે. તહેવારોને લઈને સુરેન્દ્રનગરની બજારોમાં પીચકારી, ધાણી, દાળીયા, ખજુર મોટાપાયે વેચાવા લાગી છે. સુરેન્દ્રનગરના ટાંકી ચોક, જવાહર ચોક, પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાં વેપારીઓએ પોતાની દુકાને અને રસ્તા પર લારીવાળાઓ ખજુર, ધાણી, પીચકારી વેચતા નજરે પડી રહ્યા છે. જેમાં ગુરૂવારે હોળીના દિવસે બજારમાં લોકોની ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. વેપારીઓના જણાવાયા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધાણી, દાળીયા અને પીચકારીના ભાવ નજીવા વધ્યા છે. ધાણી રૂપીયા 30 થી 40 પ્રતીકિલો મોંઘી થઈ છે. જયારે 10 અને 20ના ભાવે વેચાતી પીચકારી પણ આ વર્ષે 25 થી 40ના ભાવે વેચાય છે. બીજી તરફ ખજુરના ભાવ ગત વર્ષ જેટલા જ જોવા મળી રહ્યા છે. જેમાં ખજુર રૂપીયા 130 થી 140 પ્રતીકીલો વેચાઈ રહી છે. જોકે, ખજુરમાં ઠળીયાવાળી અને ઠળીયા વગરની ખજુરના ભાવમાં ફેર છે. ઠળીયા વગરની ખજુર ઠળીયાવાળી ખજુર કરતા થોડી મોંઘી વેચાઈ રહી છે. પરંતુ ઝાલાવાડના લોકો ભાવ સામે નહી જોઈ તહેવાર મનાવવા ખજુર, ધાણી સહીતનાઓની ખરીદી કરી રહ્યા છે. જયારે બાળકોને પ્રીય એવી પીચકારીઓ પણ માર્કેટમાં આવી ગઈ છે. રંગબેરંગી પીચકારીઓ બજારમાં જોઈને બાળકો અત્યારથી પીચકારીની ખરીદી કરવા લાગ્યા છે. ઝાલાવાડમાં છેલ્લા થોડા વર્ષોથી હોળી-ધુળેટી પર્વે હરવા-ફરવાનું ચલણ વધી ગયુ છે. ધુળેટીના દિવસે એટલે કે, તા. 14ના રોજ જાહેર રજા છે. જયારે બીજા દિવસે તા. 15ની રજા મુકીએ એટલે તા. 16ના રવીવારને લીધે ત્રણ રજાનો લાભ મળે છે. આથી ધંધાર્થીઓ અને નોકરીયાતો ત્રણ દિવસ મીની વેકેશન જેવો માહોલ બનાવી ફરવાના મુડમાં આવી કયાં ફરવા જઉ તેનું પ્લાનીંગ પણ કરી રહ્યા છે.
સોસાયટીઓમાં સામૂહિક ધુળેટીનું આયોજન
સામાન્ય રીતે ધુળેટી પર્વ લોકો પોતાના મિત્રો અને સગા સબંધીઓ સાથે મનાવતા હોય છે. જયારે ઝાલાવાડમાં છેલ્લા થોડા વર્ષોથી સોસાયટી અને કલબોમાં સામુહીક ધૂળેટી પર્વનું આયોજન કરાય છે. બપોરના સમયે જમણવાર સાથે લોકો સામુહીક ધૂળેટી ઉજવે છે. શહેરની બહાર આવેલા પાર્ટીપ્લોટ અને વોટરપાર્કમાં પણ અનેક લોકો પોતાના મિત્રો સાથે ધૂળેટી પર્વની સમગ્ર દિવસ ઉજવણી કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં હોળી પર્વે વરસાદનો વરતારો કરવાની પરંપરા
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉંમરલાયક લોકો અને ખાસ કરીને ખેડૂતો હોળી પર્વે વરસાદનો વરતારો જોતા હોય છે. જેમાં હોળીના પ્રાગટય બાદ તેની જવાળા કઈ દીશા તરફ જાય છે. ધુમાડો કઈ દીશાથી કઈ દીશા તરફ જાય છે તેના પરથી આગામી ચોમાસુ કેવુ રહેશે તેની આગાહી કરાતી હોય છે. ઝાલાવાડમાં પણ હોળી પર્વે પ્રજવલીત કરાતી અગ્નીની દીશા પરથી વરસાદનો વરતારો જોવાની પરંપરા છે.