સુરેન્દ્રનગર શહેરના દુધરેજ, મલ્હાર ચોક, ધ્રાંગધ્રા હાઈવે અને દસાડા ગ્રામ્યની હોટલના મેદાનમાં અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોધાયા છે. જેમાં પાણશીણા હાઈસ્કૂલના શિક્ષીકા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા છે. જયારે બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લીંબડીના સ્ટેશન રોડ પર આવેલ સત્યમ રેસીડેન્સીમાં રહેતા 49 વર્ષીય દિવ્યાબેન રાજેશભાઈ મકવાણા પાણશીણા હાઈસ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. તા. 28ના રોજ તેઓ પતિ રાજેશભાઈ અને દિકરા કશ્યપભાઈ સાથે ધાર્મીક પ્રસંગે ધ્રાંગધ્રા જતા હતા. ત્યારે ખાંભડા ગામ પાસે આવેલ પેટ્રોલપંપમાંથી એક જેસીબી ચાલકે ગફલતભરી રીતે ચલાવી રસ્તા પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જેસીબીના આગળના સુપડાના દાંતામાં કાર આવી જતા દિવ્યાબેન સહિત ત્રણેયને ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની જેસીબી ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એ.એ.મોરી ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર પાંચ હનુમાન વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુષ્કરલાલ મગનલાલ ભટ્ટ સીકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તા. 26ના રોજ સવારે તેઓ સાયકલ લઈને સી.જે.હોસ્પિટલ તરફ જતા હતા. ત્યારે મલ્હાર ચોક પાસે કાર ચાલક પુર્વદીપસીંહ રાણાએ સાયકલ સાથે પાછળથી કાર ભટકાડી અકસ્માત કર્યો હતો. જેમાં પુષ્કરલાલને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ચેતનપુરી ગોસાઈ ચલાવી રહ્યા છે.
બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા રાજસીતાપુર ગામે રહેતા 21 વર્ષીય હેતલબેન બીપીનભાઈ ડાભી બ્યુટી પાર્લરનું કામ કરે છે. તા. 29ના રોજ સવારે તેઓ પિતા બીપીનભાઈ સાથે સુરેન્દ્રનગર આવ્યા હતા. અને રિક્ષામાં બેસી રાજસીતાપુર પરત જતા હતા. ત્યારે દુધરેજ પાસે એક ટ્રક ચાલકે રિક્ષાને પાછળથી ઠોકર મારી હતી. જેમાં હેતલબેન અને બીપીનભાઈને ઈજાઓ થતા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ સી.કે.ગોસાઈ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના નથુસીંહ બીલ્લુસીંહ જટ ડ્રાઈવીંગ કરે છે. તા. 25-1ના રોજ તેઓ કંડલાથી કોલસો ભરીને ટ્રક લઈને રાજસ્થાન જતા હતા. ત્યારે દસાડા તાલુકાના પીપળી પાસે પહોંચતા તેઓને નીંદર આવતા હોટલ જનેતાના મેદાનમાં ટ્રક પાર્ક કરીને સુઈ ગયા હતા. થોડીવાર પછી અચાનક કાંઈક ભટકાવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને નજર કરતા તેમની ટ્રકની આગળની સાઈડ એમ.પી.ના દેવેન્દ્રસીંઘ હકીમસીંઘ ભદોરીયાએ પોતાનું ટેન્કર અથડાવી નથુસીંહની ટ્રકને નુકશાન પહોંચાડયુ હતુ. બનાવની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એસ.એમ.કણઝરીયા ચલાવી રહ્યા છે.