ચૂડા તાલુકાના કરમડ ગામે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે તા. 16મીથી તા. 18 દરમિયાન આયોજિત પંચાબ્દી મહોત્સવમાં આજે રવીવારે રાજયના સીએમ ઉપસ્થીત રહેનાર છે. તેઓ 2 હજાર વિદ્યાર્થીઓ રહી શકે તેવા નુતન છાત્રાલયનો શિલાન્યાસ આ તકે કરશે.
ભગવાન સ્વામીનારાયણે ચુડા તાલુકાના કરમડ ગામને પોતાના પાવન ચરણોથી પવીત્ર કર્યુ હતુ. આ સ્થળે તેઓએ જીવનનો છેલ્લો અન્નકુટ કર્યો હતો. ત્યારે કરમડ ગામ સમસ્ત દ્વારા 195મો ભવ્ય અન્નકુટ મહોત્સવ યોજાનાર છે. રાણપુર-લીંબડી હાઈવે પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળમાં બિરાજતા ઘનશ્યામ મહારાજના પંચાબ્દી મહોત્સવનું આયોજન તા. 16 થી 18 નવેમ્બર દરમીયાન કરાયુ છે. જેમાં આજે તા. 17ને રવીવારના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થીત રહેનાર છે. સીએમ અન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે 2 હજાર વિદ્યાર્થીઓ રહી શકે તેવા નુતન છાત્રાલયની શિલાન્યાસ વીધી યોજાશે. આ ઉપરાંત 51 યુગલોના સમુહ લગ્નોત્સવ, શ્રીમદ્દ સત્સંગી જીવન કથા, બીજમંત્ર અનુષ્ઠાન, સર્વરોગ નીદાન કેમ્પ, રકતદાન કેમ્પ, ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતીક કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયા, જિલ્લા વિકાસ અધીકારી રાજેશ તન્ના, જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા સહિતનાઓ ઉપસ્થીત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગુરૂકુળના સંતો તૈયારીઓ કરી રહ્યા છે.