કચ્છના માંડવી તાલુકાના ગોધરા (અંબેધામ) રહેતી 28 વર્ષીય યુવતી તા. 30-12ના રોજ સવારે ફરજ પર જવા નીકળી હતી. ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તેની ગુપ્તી અને તલવારના ઘા કરી હત્યા કરી હતી. આ કેસમાં સીટની રચના કરવા સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેદનપત્ર સોમવારે અપાયુ હતુ.
કચ્છના ગોધરા (અંબેધામ)માં રહેતી 28 વર્ષીય ગૌરીબેન તુલસીભાઈ ગરવા તુંબડી પીએચસીમાં કરાર આધારીત ફરજ બજાવતી હતી. તા. 30-12ના રોજ સવારે તે ફરજ પર જવા નીકળી ત્યારે એક તરફ પ્રેમમાં પાગલ કોડાઈ ગામના સાગર રામજીભાઈ સંધારે તેના પેટમાં ગુપ્તી મારી, તલવારના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવ બાદ સાગરે પોતે પણ ઝેરી દવા પી લીધી હતી અને દવાખાને સારવાર માટે પહોંચ્યો હતો. ત્યારે આ કેસમાં તટસ્થ તપાસ થાય તે માટે સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં સોમવારે લેખીત આવેદનપત્ર અપાયુ છે. આ આવેદનપત્રમાં ગુરૂ બ્રાહ્મણ સમાજના આગેવાનો રવીશંકરભાઈ પંડયા, હરીલાલ શ્રીમાળી, એ.પી.જોષી, અશોકભાઈ ચાવડા, વિનુભાઈ ધંધુકીયા, ગીરીશભાઈ જોષી, ડી.સી.પંડયા સહિતનાઓના જણાવાયા મુજબ આ કેસ સંવેદનશીલ હોઈ તેની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે. જયારે દિકરી પરીવારનો આધારસ્થંભ હોઈ તેના પરીવારજનોને રહેમરાહે નોકરી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 1 કરોડ વળતર આપવા માંગ કરાઈ છે. આ ઉપરાંત આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા, હત્યામાં એક કરતા વધુ આરોપીઓ હોવાની શંકા પણ વ્યકત કરાઈ છે.