લીંબડીના માળીવાડ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા સાંજના સમયે તેના ઘરે હતી. ત્યારે એક યુવકે આવી પોતાના પર જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી હતી અને અચાનક દોડીને મહિલાને બાથ ભરી લીધી હતી. આ બનાવમાં બન્નેને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. લીંબડી પોલીસે બનાવની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
લીંબડીના માળીવાડમાં 51 વર્ષીય કૈલાસબેન જાદવભાઈ પરમાર રહે છે. તેઓ લીંબડી હાઈવે પર આવેલી એક હોટલમાં કામ કરે છે. તેમની સાથે લીંબડીના રાણી તળાવ વિસ્તારમાં આવેલ વાંજાની ઝુંપડપટ્ટીમાં રહેતો 27 વર્ષીય જ્હોન કામ કરતો હતો. જ્હોનને કૈલાસબેન પ્રત્યે કુણી લાગણી હતી. આ લાગણી એક તરફી પ્રેમમાં પરીણમી હતી. ત્યારે તા. 17મીએ મોડી સાંજના સમયે જ્હોન માળીવાડમાં પહોંચ્યો હતો. અને પોતાના શરીર પર પેટ્રોલનો છંટકાવ કરી આગ ચાંપી દીધી હતી. અને દોડીને કૈલાસબેનને બાથ ભરી લીધી હતી. બનાવ સમયે એકઠા થયેલા લોકોએ બન્નેને સારવાર માટે લીંબડી સરકારી દવાખાને મોકલ્યા હતા. જયાંથી કૈલાસબેનને સારવાર માટે સુરેન્દ્રનગર અને જ્હોનને સારવાર માટે અમદાવાદ લઈ જવાયો છે. કૈલાસબેનને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ હોસ્પીટલ લઈ જવાતા આ અંગે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે એમએલસીથી જાણ કરાઈ હતી. જેમાં એ ડીવીઝન પોલીસ મથકના જમાદાર ચેતનપુરી ગોસાઈ દોડી ગયા હતા.
બીજી તરફ લીંબડી પોલીસની ટીમ પણ હોસ્પીટલ આવી હતી. અને મહિલાનું નિવેદન નોંધી બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં યુવકની હાલત નાજુક હોવાનું સામે આવ્યુ છે. જયારે ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોના જણાવાયા મુજબ યુવક દારૂ પીધેલી હાલતમાં પણ હતો.