- તા. 8મીએ સવારે યુવાનની માતાજીના મઢમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી
- પરિવારે હત્યાનો બનાવ હોવાનું કહીને લાશ સ્વીકારવાનો ઈનકાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી
- સોમવારના રોજ સવારે ગામમાં આવેલા માતાજીના મઢે તેની લાશ મળી આવી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના પાંજવાળી ગામે રહેતા 35 વર્ષીય યુવાનની તા. 8મીને સોમવારે સવારે ગામના માતાજીના મઢમાં ઘંટ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
આ બનાવ હત્યાનો હોવાનું કહીને પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. અંતે મોડી સાંજે બે શખ્સો સામે દુષ્પ્રેરણાનો ગુનો પોલીસે નોંધતા ઘીના ઠામમાં ઘી પડયુ હતુ.
ચોટીલા તાલુકાના નાના એવા પાંજવાળી (નવાગામ) ગામે રહેતા 35 વર્ષીય હકુભાઈ નાજાભાઈ વાઘેલા અપરીણીત હતા. તા. 8મી જુલાઈને સોમવારના રોજ સવારે ગામમાં આવેલા માતાજીના મઢે તેની લાશ મળી આવી હતી. જેમાં માતાજીના મઢમાં ઘંટ સાથે તે લટકતો મળી આવ્યો હતો. બનાવની જાણ થતા ગ્રામજનો અને મૃતકના પરીવારજનો મઢે દોડી ગયા હતા. જયારે ચોટીલા પોલીસને જાણ થતા પીઆઈ આઈ.બી.વલવી સહિતનો કાફલો પાંજવાળી દોડી ગયો હતો અને લાશને ઉતારી પીએમ માટે ચોટીલા સરકારી દવાખાને લઈ જવાઈ હતી. આ બનાવ હત્યાનો હોવાનું કહીને પરીવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી દેતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. અને ડીવાયએસપી વી.એમ.રબારી, એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિતનાઓ પણ ચોટીલા દોડી ગયા હતા અને પરિવારજનોને સમજાવવાની કાર્યવાહી કરી હતી. ત્યારે સોમવારે મોડી સાંજે ચોટીલા પોલીસે પાંજવાળીના 2 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબ દુષ્પ્રેરણનો અને એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધ્યો છે. જેમાં ગત તા.7મીએ સાંજે હકુભાઈના ઘર પાસે દુકાન ધરાવતા રામાભાઈ રમેશભાઈ સુરેલા અને મુનાભાઈ નાથાભાઈ સુરેલાએ હકુભાઈને કોઈ કારણોસર લાકડીથી માર મારી ઢસડયા હતા. આ બાબતે લાગી આવતા હકુભાઈએ માતાજીના મઢમાં જઈ આત્મહત્યા કરી હોવાનું મૃતકના ભાઈ મનુભાઈ નાજાભાઈ વાઘેલાએ જણાવી બન્ને સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ ડીવાયએસપી લીંબડી ચલાવી રહ્યા છે.