સુરેન્દ્રનગરમાં વેપારીઓની અનોખી પહેલ જોવા મળી. શહેરમાં મેગામોલ શોપિંગ સેન્ટરના વેપારીઓએ ટ્રાફિક સમસ્યા અને સ્વચ્છતા અભિયાનને સહકાર આપતાં સરાહનીય કામગીરી કરી. મેગામોલ શોપિંગ સેન્ટર પાસે અનેક એવા દબાણો હતા જેના કારણે મોલમાં આવનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પોતાના ગ્રાહકોનું ધ્યાન રાખવા તેમજ સરકારની કામગીરીમાં સહાય કરતા મેગામોલ શોપિંગ સેન્ટરના વેપારીઓએ જાતે જ અડચણરૂપ દબાણો દૂર કર્યા.
મનપાને સહકાર આપવાનો વેપારીઓનો ઉદેશ્ય
શહેરના તમામ માર્ગો પર જોવા મળતું ટ્રાફિકનું ભારણ આજે એક મોટી સમસ્યા બની છે. કેટલાક માર્ગો પર ચાલતા ખોદકામ અને અન્ય કામગીરીના કારણે અનેક સ્થાનો પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે. શહેરમાં મેગામોલ શોપિંગ સેન્ટરમાં અંદાજે 150 જેટલી દુકાનો આવેલી છે. મેગામોલમાં ગ્રોસરીથી લઈને કપડાં તેમજ ઇલેક્ટ્રોનિકસથી લઈને સોના-ચાંદીની દુકાનો પણ છે. મેગામોલ શોપિંગ સેન્ટરમાં ગ્રાહકોની નિયમિત ભીડ રહેતી હોય છે. પરંતુ મેગામોલ પાસે હાલમાં કેટલાક દબાણો હતા જેના કારણે તેમના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મેગામોલમાં એન્ટ્રી કરતી વખતે જ અડચણરૂપ દબાણ જોવા મળતા. કેટલાક સંજોગોમાં આ દબાણોના કારણે ગ્રાહકો મોલની મુલાકાત લેવાનું ટાળતા હતા.
શોપિંગ મોલના વેપારી કમીટીનો મહત્વનો નિર્ણય
ગ્રાહકોની અને ટ્રાફિક ની સમસ્યા હલ થાય એ માટે વેપારી કમીટી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો. અને શહેરના મેગામોલ શોપીંગ સેન્ટરના એન્ટ્રી પાસેના અને સર્કલ પરના અડચણરૂપ દબાણો વેપારીઓએ જાતે દુર કર્યા. નોંધનીય છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલીકા બનતા જ થોડા સમયથી શહેરના રસ્તાઓ પરથી દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેઈન રોડ પર શાક માર્કેટ સામે ગૌશાળાના નામે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ મનપાએ દૂર કર્યું. આ ઉપરાંત મેડિકલ કોલેજની આસપાસ તેમજ શહેરના મુખ્યમાર્ગો પરના 100થી વધુ દબાણ મનપા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. 150 દુકાનો ધરાવતો મેગામોલ શોપીંગ સેન્ટરના વેપારીઓએ કહ્યું કે મનપા સારી કામગીરી કરી રહી છે. અને એટલે જ અમે પણ મનપાને સહકાર આપવાનો નિર્ણય લેતા જાતે જ દબાણો દૂર કર્યા તેમ મેગામોલના પ્રમુખ હરદેવસિહ મોરીએ જણાવ્યું.