ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રિસાઇડીંગ મેમ્બર આર. એન. મહેતા અને પી. આર. શાહે ઇન્ડિયા ગ્રીન રિયલ્ટીના ડીરેક્ટર વિનોદ ઠાકર સામે સ્ટેટ કમિશનના હુકમનો અમલ નહી કરવા સબબ રૂ. 5,00,000 (પાંચ લાખ) નો બેલેબલ વોરંટ કાઢી, બોપલ પોલીસને વોરંટ બજાવવા
.
ગુજરાત સ્ટેટ કમિશને બોપલ પોલીસના પી.આઇ. વોરંટ બજાવતા નહી હોવાથી અમદાવાદ ગ્રામ્ય-જિલ્લા પોલીસ વડાને લેખિત યાદી પાઠવી સ્ટેટ કમિશનના હુકમનો અમલ કરવા અને બોપલ પોલીસ વોરંટ બજાવે તે માટે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
અમદાવાદના માણેકબાગ વિસ્તારના સિનિયર સિટીઝન મહિલા ભાવનાબેન મધુસુદન ખંડેરીયા બેંકના નિવૃત્ત કર્મચારી છે અને નિવૃત્તિ બાદ જીવનની બચતની મૂડી ઇન્ડિયા ગ્રીન રિયલ્ટી લી.ની અમદાવાદ જિલ્લાના ઝાંપ ગામ સ્થિત ગ્રીન લેન્ડ પ્રોજેક્ટમાં પ્લોટ ખરીદવા રૂ. 13,65,000 નું રોકાણ કર્યું હતું. બિલ્ડરે લલચામણી, લોભામણી અને આકર્ષક ઓફર આપીને ત્રણ વર્ષ બાદ પ્લોટ બાયબેક કરી, પ્લોટની વેચાણ કિંમતથી બમણી-ડબલ કિંમત કંપની ચુકવશે, તેવી સ્કીમ જાહેર કરી.
વર્ષ-2014માં પ્લોટ નં.E/112 (455 ચો.વાર) ખરીદવા રોકાણ કરેલ અને એગ્રિમેન્ટ કરેલ. પરંતુ એગ્રિમેન્ટ અને સ્કીમ મુજબ વર્ષ-2017માં ત્રણ વર્ષ બાદ બિલ્ડરે બમણી રકમ તો દૂર પરંતુ જમા રકમ પણ પરત આપેલ નહી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગુજરાત સ્ટેટ કમિશનમાં ઇન્ડિયા ગ્રીન રિયલ્ટી અને ડિરેક્ટર વિનોદભાઇ ઠાકર વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષા ધારા અન્વે અનફેર ટ્રેડ પ્રેકટીસ અને સેવામાં ખામા બાબતે સ્કીમના એગ્રીમેન્ટ મુજબ બમણી રકમ વ્યાજ અને ખર્ચા સાથે વસુલ લેવા દાદ માંગેલ.
સ્ટેટ કમિશને ફરીયાદના કામે કેસ ચાલી જતાં ફરીયાદની તા.24/1/2019થી રૂ. 22,30,000 (બાવીસ લાખ ત્રીસ હજાર) વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૂ. 40,000 અલગથી ચુકવવા હુકમ કર્યો છે. અસહ્ય વિલંબ બાદ પણ ગુજરાત સ્ટેટ કમિશનના હુકમનો અમલ નહી થતાં કલમ-72 અન્વયે દરખાસ્ત અરજી દાખલ કરી, બિલ્ડરને શિક્ષા ફરમાવવા દાદ માંગી છે. વયોવૃધ્ધ સિનિયર સિટીઝન દંપતીની આજીવીકા અને ભરણપોષણની મુડી બિલ્ડરે ચાંઉ કરી પચાવી પાડી છે. જીંદગીના અંતિમ વર્ષોમાં અશક્ત લાચાર, બિમાર વૃધ્ધ દંપત્તિ માટે જીવનમૂડી જીવનમરણનો પ્રશ્ન છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ વધુમાં જણાવે છે કે, અમદાવાદ જિલ્લા પોલીસ અને બોપલ પોલીસ લેભાગૂ બિલ્ડરને ગીરફતાર કરી વોરંટ નહી બજાવે તો સંસ્થાને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ગાંધીનગર સ્ટેટ સ્થિત સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચની આર્થિક અપરાધ નિવારણ શાખાએ પણ 783 ગ્રાહકો સાથે રૂ. 42 કરોડથી વધુની છેતરપિંડી બાબતે ઇન્ડિયા ગ્રીન રીયલ્ટના ડીરેક્ટરો વિનોદ ઠાકર, વિરેન્દ્ર ઠાકર, અમિત સામંતા, રહે. કલકત્તા, અસલમ આફ્રિદી રહે. સરખેજ. અક્ષય શાહ અને પરાશર પંડ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે અન જી.પી.આઇ.ડી. કોર્ટમાં કેસો ચાલી રહ્યા છે.