શિનોર તાલુકાની સેગવા ચોકડીથી મોટા ફેફળિયા ગામ વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે વર્ષના વધારાના દિવસની રાત્રે બે મોટરસાઇકલ સામ સામે ભટકાતા ઘટના સ્થળે એક બાળકી સાહિત ત્રણના મોત અને બે બાળકી અને અન્ય બેને ગંભીર ઇજા થઇહતી. જેમાં ટૂંકી સારવાર બાદ એક બાળકીનું પણ મોત થતા અકસ્માતમાં બે બાળકી અને બે યુવાન સહિત કુલ 4ના મોત થયેલ છે.
શિનોર તાલુકાનો ડભોઇ-શિનોર ધોરીમાર્ગ પર સીમળી અને સેગવા ગામ વચ્ચેનો માર્ગ અકસ્માત ઝોન બન્યો છે. અવાર-નવાર આ માર્ગ પર અકસ્માત થતા લોકોમા જાતજાતની ચર્ચા ઉઠેલ છે. ગત તા 1/11ના રોજ ડભોઇ તાલુકાના વણાદરા ગામના દિનેશ કરસન વસાવા તેની પત્ની સેજલબેન તેમજ તેઓની ત્રણ દીકરી જાનવી, ખુશી અને જાસ્વી તેની મોટર સાઇકલ લઈને રાત્રે શિનોર તાલુકાના સીમળી ગામે પોતાની સાસરીમા બેસતું વર્ષ કરવા જતા હતા. ત્યારે સેગવા પસાર કર્યા બાદ સીમળી ગામ નજીક નર્મદા કેનાલ પાસે સામેથી મોટા ફેફ્ળીયા ગામના દહરીયા પાળવી ભીલ અને તેની ધર્મપત્ની અમિતાબેન મોટર સાયકલ લઈને આવતા હતા. આ બંનેની બાઈકો સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ દિનેશ વસાવા (ઉ.વ. 32 રહે વણાદરા તા. ડભોઇ) તેની દીકરી જાનવી ઉ.વ. 8 અને મોટાફેફ્ળીયાના ખેતમજુર દહરીયાભાઈ ભીલ (ઉ.વ.30) ત્રણેયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સેજલ વસાવા તેની બે દીકરી ખુશી, જાસ્વી અને અમિતાબેન ભીલને ઇજા થતા તેમને મોટા ફેફ્ળીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 108 મારફ્તે લઇ ગયા હતા. જ્યાં ખુશી ઉ. વ. 4ને ગંભીર ઇજા હોય વધુ સારવાર માટે તેને વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં સારવાર બાદ તેનું પણ મોત થયું હતું.