પાટણ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે સિદ્ધપુર હાઈવે ઉપર શનિવારે વૉચ ગોઠવીને બાતમીને આધારે એક શખ્સને કારમાં અફીણના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
જેની તપાસ અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શનિવાર મોડી રાત્રી સુધી ચાલી હતી. આ મામલે સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જે વ્યક્તિને પોલીસે કારમાં અફીણના જથ્થા સાથે ઝડપ્યો હતો તેની પાસેથી 1686.46 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસે આ જથ્થો કોની પાસેથી લાવ્યો અને અહીં કોને આપવાનો હતો. તેની પૂછપરછ કરતાં આરોપીએ પોતાનું નામ રાજુરામ છોગારામ અમલુરામ બિશ્નોઈ(રહે. ગુંદાઉ, થાના કરડા, જિ. સાંચોર, રાજસ્થાન)વાળો હોવાનું કહીને પોલીસને કહ્યું હતું કે તે આ અફીણનો જથ્થો મધ્યપ્રદેશના મંડીના પીંપળીના પ્રતાપભાઈ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આ અફીણ તે જમ્બેશ્વર હોટલના રૂગનાથરામ અર્જુનરામ બિશ્નોઈ અને ઘેવારામ પ્રજાપતિને આપવા માટે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપી પાસેથી 1,68,646 રૂપિયાની કિંમતનું અફીણ, 10 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ, 5 લાખ રૂપિયાની કિંમતની કાર અને 7490 રૂપિયા રોકડ રકમ મળી કુલ 6,86,136 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કુલ 4 આરોપીઓ વિરૂદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોના કોના વિરૂદ્ધ ગુનો નોંધાયો ?
રાજુરામ છોગારામ અમલુરામ બિશ્નોઈ(રહે. ગુંદાઉ, થાના કરડા, જિ. સાંચોર, રાજસ્થાન),પ્રતાપભાઈ (રહે. પીંપળીયા મંડી, જિ. ધાર) ,રૂગનાથરામ અર્જુનરામ બિશ્નોઈ (જમ્બેશ્વર હોટલ, સિદ્ધપુર),ઘેવારામ પ્રજાપતિ