સિદ્ધપુરમાં કુંવારીકા માં સરસ્વતીની કુખમાં ભરાતા પરંપરાગત કાર્ત્યોકના એટલે કે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો ગુરૂવારે સાંજથી વિધિવત રીતે પ્રારંભ થયો હતો.ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી ભક્તોનો અવિરત પ્રવાહ પ્રથમ દિવસથી જ શરૂ થઈ ગયો હતો.
સિદ્ધપુર પાલિકા દ્વારા આયોજીત મેળાનો પ્રારંભ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ મગરવાડા મણીભદ્રવીર તીર્થના ગાદીપતિ યતિશ્રી વિજયસોમજી મહારાજના આશીર્વચન સાથે પ્રાંત અધિકારી જયકુમાર બારોટ સહિત સિદ્ધપુર નગર પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મીનભાઈ દવે, ચીફ ઓફિસર કૃપેશ પટેલ, રમતગમત અને મનોરંજન સમિતિના ચેરમેન ભાવેશભાઈ રાજ્યગુરૂ, અંકુરભાઈ અજીતભાઈ મારફતિયા, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિતના નગરપાલિકાના સદસ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકાયો હતો.
દેવનગરી તરીકે વિશ્વ પ્રચલિત એવા સિદ્ધપુરમાં કારતક માસની પૂર્ણિમા પર યોજાતો પરંપરાગત અને ભવ્ય લોકમેળો જે કાર્ત્યોકના મેળા તરીકે પ્રસિદ્ધ છે. જેમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં આવતાં ભક્તજનોથી મેળાનો લ્હાવો જ એક અખોની અનુભૂતિ કરાવે છે. જેમાં શ્રદ્ધા, તર્પણ અને ઉલ્લાસનું ત્રિવેણી સંગમ જોવા મળે છે. તો ચૌદસ અને પૂર્ણિમા પર સરસ્વતી નદીમાં ત્રિવેણી સંગમ સર્જાતું હોવાથી લોકો અહીં સ્નાન કરી પણ ધન્યતા અનુભવે છે. મનોરંજનની સાથોસાથ કુંવારીકા નદીમાં સરસ્વતીના તટ પર પોતાના પિતૃઓની તર્પણ વિધિ કરી ભક્તો ધન્યતા તો અનુભવે જ છે સાત દિન સુધી ચાલતા લોકમેળાનો મન ભરીને આનંદ પણ મેળવે છે.