ઠંડીનો ચમકારો તો દિવાળી પછી અનુભવી શકાતો હોય છે. ભારતમાં શિયાળાનું આગમન થઈ રહ્યું છે. અમેરિકા આમ તો ઠંડો મૂલક ગણાય. વળી, અમેરિકા વિસ્તારની દ્રષ્ટિએ બહુ વિશાળ દેશ છે. તો પણ મોટાભાગના યુનાઇટેડ સ્ટેટ્સમાં શિયાળો એકસાથે અનુભવી શકાય. સવાર ફૂલ ગુલાબી ઠંડી
.
શિયાળો પોતાની સાથે વિન્ટર ફેશન લાવે છે શિયાળો એટલે તમને તમારા પ્રિયજનને વળગીને બેસી રહેવાનું મન થાય તે મોસમ. એવી મોસમ જેમાં સ્વેટર્સ એટીકમાંથી કાઢવાનો સમય લઈ આવે. પાનખર પછી કોઈ જ અવાજ કર્યા વિના બિલ્લીપગે શિયાળો આવી રહ્યો છે. શિયાળો ફક્ત સ્વેટર્સ જ નહીં એક આખી વિન્ટર ફેશન સાથે લઇને આવે છે. શિયાળો થોડા મહિના માટે ફેશનને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, ફેશનમાં નવીનતા લાવે છે.
યોગ્ય કપડાં પહેરતા આવડે તો શિયાળો આનંદદાયક લાગે પશ્ચિમી દેશોના અમુક શહેરો જેમાં ખાસ કરીને લંડન, પેરિસ, ન્યૂયોર્ક વગેરે મોટા શહેરો વિવિધ ઋતુ પ્રમાણેની ફેશન માટે જાણીતા છે. એમાંય વિન્ટર ફેશનનું આગવું મહત્વ છે. હવે તો ભારત જેવા ટ્રોપિકલ દેશમાં રહેતા લોકો પણ મોલમાં વિન્ટર વેરની ખરીદી કરતા હોય છે. પણ આ પશ્ચિમી ગોળાર્ધમાં રહેવાનું શરુ કરો પછી શિયાળુ ફેશનનું એક આખું વિશ્વ તમારી સામે ખૂલી જાય! સાથે એ પણ સમજાય કે શિયાળો એટલો બધો કંટાળાજનક અને કપરો નથી બલ્કે જો યોગ્ય કપડાં પરિધાન કરતા આવડે તો શિયાળાની મોસમ આનંદદાયક નીવડે એવું બને.
સ્ત્રીઓને સુંદર વસ્ત્રોનું સદીઓથી ઘેલું છે ઇજિપ્તના પિરામીડસમાં મળેલા મમીસથી લઇને અજંતા ઈલોરાના ગૂફા-ચિત્રો અને પ્રાચીન સમયના ચિત્રો જોઈએ તો સમજાય કે માણસોને અને તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓને સુંદર વસ્ત્રો પરિધાન કરવાનું પહેલેથી ઘેલું છે.
મોટા શહેરોમાં ખાસ વિન્ટર ફેશન શો યોજાય છે કહે છે સુંદર વસ્ત્રો પરિધાન કરવા અને તેનો આનંદ લેવો એ એક કળા છે. અને એ કળાની કસોટી હાડ થીજાવી દેતા પશ્ચિમના દેશોના શિયાળામાં થાય છે. ઠંડી પણ રોકવાની હોય અને સુંદર પણ દેખાવાનું હોય. અને માટે જ દુનિયાભરની વસ્ત્રોની બ્રાન્ડ્સ જેમ કે કોકો ચેનલ, ઝારા, મોન્ટે કાર્લો, લિવાઇસ, નોર્થ ફેસ, ટોમી હિલફિગર વગેરે અને અમેરિકામાં મેસીસ, નોર્ડસ્રોમ, બ્લુમિંગડેલ, એન્થ્રોપોલોજી, ગેપ જેવા સ્ટોર્સ શિયાળુ ફેશનથી ઉભરાઈ જાય છે અને એ લોકો ખાસ વિન્ટર ફેશનને પ્રાધાન્ય આપવા માંડ્યા છે. ન્યૂયોર્ક, લંડન, પેરિસ જેવા શહેરોમાં ખાસ વિન્ટર ફેશન શોઝ યોજાય છે.
આ ઉપરાંત આ બધા ઠંડા દેશોમાં ઊંચી એડીના બૂટ્સ પહેરીને લટક મટક ચાલી જતી સ્ત્રીઓને જોઈને જ ભારે શિયાળામાં ગરમાવો આવી જાય! ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ!
શિયાળુ વસ્ત્રોની પોતાની આગવી કહાની અને શિયાળામાં પહેરાતાં વસ્ત્રો અને એક્સેસરીઝની પાછી પોતાની આગવી કહાની અને વૈવિધ્ય છે. કાન અને માથું ગરમ રાખવા પહેરાતી બિનિઝ હોય કે ગળું અને છાતીને ગરમાટો આપવા પહેરતા વિવિધ જાતના સ્કાર્ફ હોય કે પછી જાત જાતના કોટ્સ હોય, જો આગવી રીતે પહેરવામાં આવે તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે.
કોટના પણ કેટલા પ્રકાર! અને શિયાળામાં પહેરાતા બાહ્ય પરિધાન મતલબ કોટ્સમાં જ કેટલી વિવિધતા! ઓવર કોટ, ટોપ કોટ, મેક કોટ (સૂટ કે બિઝનેસ માટેના કપડાં પર પહેરાતો કોટ), ટ્રેન્ચ કોટ વગેરે વગેરે….અને હા એકદમ આરામદાયક પફર જેકેટ્સ કેમ ભૂલાય? અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ કોટ્સ ઉનાળામાં પહેરાતા લાઉડ કલર્સથી વિપરીત પેસ્ટલ શેડ્સ મતલબ કે આછા રંગોના હોય તો વધુ દીપી ઉઠે!
અને આ કોટ્સની નીચે પહેરાતા બુટ્સના પણ વળી કેટલા પ્રકાર….પેક બૂટ્સ, સ્નો બૂટ્સ, વિન્ટર હંટિન્ગ બૂટ્સ, વિન્ટર વર્ક બૂટ્સ વગેરે વગેરે….!! આ બધી ફેશન તમારા શિયાળાને રંગીન અને સહનીય બનાવવા પૂરતી છે! કહે છે, લોકોની ભીડમાં ખોવાઈ જવું ન હોય તેના માટે, અલગ દેખાવું જોઈએ…. અને વિવિધ ફેશન તેમાં તમને મદદરૂપ થાય છે જો યોગ્ય રીતે એનો ઉપયોગ કરતા આવડે તો…!!
તો તમારા વિન્ટર બૂટ્સ, કોટ અને સ્કાર્ફ તૈયાર છે?