મારા પાકિસ્તાની પિતા મર્ચન્ટ નેવીમાં ભારતથી આવ્યા. 1927માં લંડનના જહાજમાં કૂદકો માર્યો અને માન્ચેસ્ટર ગયા જ્યાં તેઓ મારી આઇરિશ-અંગ્રેજી માતાને મળ્યા. જે બસમાં ટિકિટ લેનાર ક્લિપી તરીકે કામ કરતી હતી. તેઓએ 1947 માં લગ્ન કર્યા, સાલફોર્ડની ઝૂંપડપટ્ટીમાં એ
.
અયુબખાન દિન
ઇસ્ટ ઇઝ ઇસ્ટ ફિલ્મમાં રમૂજ અને કરૂણા છે એવું કહેવાય છે કે, આંતરજ્ઞાતિય કે આંતરરાષ્ટ્રીય લગ્નથી પેદા થયેલા બાળકોનો બુદ્ધિ આંક ઊંચો હોય છે. વિજ્ઞાન પણ આ બાબતની પુષ્ટિ કરે છે. એના પર ઘણા સંશોધનો થયા છે અને ઘણું લખાયું છે. પણ આ બાળકો જ્યારે આવા મિક્સ જાતિવાળા મા-બાપના ઘરમાં મોટા થતાં હોય ત્યારે તેમનો શું સંઘર્ષ હોય છે એના પર બહુ ઓછું લખાયું છે. આ સંઘર્ષ અને તેમાંથી જન્મતી રમૂજ, કરુણા આબાદ ઝીલાઈ છે ફિલ્મ ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’માં.
નાટક પર આધારિત ફિલ્મ ઇસ્ટ ઇઝ ઇસ્ટ એ જ નામના ખાન-દિનના 1996 ના નાટક પર આધારિત છે, જે ઓક્ટોબર 1996માં બર્મિંગહામ રેપર્ટરી થિયેટર અને નવેમ્બર 1996માં રોયલ કોર્ટ થિયેટર ખાતે ખુલ્યું હતું. આ શિર્ષક 1889ની રૂડયાર્ડ કિપલિંગની કવિતા “ધ બલાડ ઑફ ઇસ્ટ એન્ડ વેસ્ટ” પરથી લેવામાં આવ્યું છે.
આ ફિલ્મની કથા કંઈક આવી છે: 1971માં, જ્યોર્જખાન એક પાકિસ્તાની મુસ્લિમ છે જે 1937 થી બ્રિટનમાં રહે છે. પાકિસ્તાનમાં તેની પત્ની છે. તે અને તેની બીજી પત્ની એલા જે આઇરિશ વંશની બ્રિટિશ રોમન કેથોલિક મહિલા છે. તેમના લગ્નને 25 વર્ષ થયા છે અને તેમને સાત બાળકો છે, નઝીર, અબ્દુલ, તારિક, મનીર, સલીમ, મીના (એકમાત્ર પુત્રી) અને સાજીદ. જ્યોર્જ અને એલા બ્રિટનમાં ખૂબ લોકપ્રિય એવી ફિશ અને ચિપની નાની રેસ્ટોરાં ચલાવે છે. જ્યારે જ્યોર્જ 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ (મુખ્યત્વે સંઘર્ષ ક્ષેત્રની નજીક રહેતા તેના પ્રથમ પરિવારની ચિંતાને કારણે) અને તેના બાળકો માટે લગ્નની ગોઠવણથી ગ્રસ્ત છે, ત્યારે બ્રિટનમાં જન્મેલા અને ઉછરેલા બાળકો પોતાને બ્રિટિશ જ સમજે છે અને પાકિસ્તાની પહેરવેશ, ખોરાક, ધર્મ અને સંસ્કૃતિને નકારે છે, તેને સ્વીકારવાની ના પાડે છે અને આ સંઘર્ષમાંથી જન્મેલી ફિલ્મ એટલે ઇસ્ટ ઇઝ ઇસ્ટ.
કોમેડી ડ્રામા તરીકે ઓળખ બનાવી અનેક એવોર્ડ્સ મેળવેલી, વિવેચકો દ્વારા વખણાયેલી અને બોક્સ ઓફિસ પર સફળ રહેલી આ ફિલ્મ કોમેડી ડ્રામા તરીકે ઓળખાય છે પણ એ રમૂજ વચ્ચે મિક્સ જાતિના ઘરમાં ઉછરતા બાળકોનો સંઘર્ષ એક દુઃખ પણ જન્માવી જાય છે.
20મી સદીના અંતમાં બ્રિટિશ સિનેમામાં એક સીમાચિહ્નરૂપ એવો આ કોમેડી-ડ્રામા એવા પ્રેક્ષકો સાથે સંધાન સ્થાપે છે કે જેઓએ તેના વંશીય તણાવ તેમજ તેના કેન્દ્રમાં પરિવાર વચ્ચે જન્મતો સંઘર્ષ, હાસ્ય અને કરુણા અનુભવ્યા છે.
ઓમ પુરીનો અભિનય ફિલ્મનું મજબૂત પાસું જ્યોર્જ ખાન તરીકે અભિનેતા ઓમ પુરીનો અભિનય આ ફિલ્મનું એક મજબૂત પાસું છે. જેમનો પોતાના પરિવારને બ્રિટિશ સંસ્કૃતિથી બચાવવાનો સંઘર્ષ રમૂજ અને દુઃખદ પરિણામ સર્જે છે. ઉપરાંત આ ફિલ્મ બહુ સહજતાથી જે તે સમયની ઐતિહાસિક વિગતોને ફિલ્મમાં વણી લે છે જેમ કે બાંગ્લાદેશનું યુદ્ધ અને વિવાદાસ્પદ સાંસદ ઍનોક પોવેલનો ઉદય જે ઇમિગ્રેશનનો વિરોધી હતો.
લિન્ડા બેસેટની અદભૂત એક્ટિંગ અને આ બધા સંઘર્ષ વચ્ચે પણ જ્યોર્જ ખાનની બ્રિટિશ પત્ની ઍલા (અભિનેત્રી લિન્ડા બેસેટનો અદભૂત અભિનય) જે રીતે બાળકો, પતિ, મિક્સ કલ્ચર અને રેસ્ટોરાંને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે એ કાબિલે દાદ છે.
પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશ સ્થાયી થયેલા મા-બાપ શું મેળવે છે અને શું ગુમાવે છે એનો ચિતાર આપતી આ ફિલ્મ યુ ટ્યૂબ, એપલ ટીવી વેગેરે પર ઉપલબ્ધ છે અને એ જોવી જ રહી.