Share Market Sensex Nifty Crash Today News: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા કડાકા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80182 સામે ગુરુવારે 1153 પોઇન્ટના કડાકા સાથે 79029 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24198 સામે 321 પોઇન્ટના કડાકા સાથે ગુરુવારે 23877 ખુલ્યો હતો. યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટ બાદ અમેરિકાના શેરબજારમાં કડાકો બોલાયો છે. જેની અસરે ભારત સહિત દુનિયાભરના શેરબજારો તૂટ્યા છે. બીએસઇના તમામ ઇન્ડેક્સ 1 થી અઢી ટકા સુધી તૂટ્યા હતા.
Share Market Crash: શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી, તમામ ઇન્ડેક્સ ડાઉન
શેરબજારમાં ગુરુવારે સાર્વત્રિક વેચવાલીથી બીએસઇના તમામ ઇન્ડેક્સ તૂટ્યા હતા. બીએસઇ આઈટી ઇન્ડેક્સ, ટેક, રિયલ્ટી, પાવર, ઓઇલ ગેસ ઇન્ડેક્સ, મેટલ, બેન્કેક્સ ઇન્ડેક્સ 1 થી અઢી ટકા સુધી તૂટ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં 800 પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 875 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બેંક નિફ્ટી 765 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 740 પોઇન્ટ તૂટ્યા છે.
બીએસઇ સેન્સેક્સના 30 માંથી 28 બ્લુચીપ શેર ડાઉન હતા. સેન્સેક્સના ટોપ 5 લુઝર શેરમાં ઇન્ફોસિસ, એચસીએલ ટેક, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, કોટક બેંક 2 થી અઢી ટકા સુધી તૂટ્યા હતા. એનએસઇ નિફ્ટી ઈન્ડેક્સના 50 માંથી 47 શેર ડાઉન હતા.
Dollar vs Rupee Record Low : ડોલર સામે રૂપિયો નવા તળિયે
યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા રેટ કટથી ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. ડોલર સામે રૂપિયો પહેલીવાર 85ના રેકોર્ડ નીચલા સ્તરે ઉતરી ગયો છે. ગુરુવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટીને 85 રૂપિયા ખુલ્યો છે. જ્યારે આગલા દિવસે ડોલર સામે રૂપિયો 84.95 રૂપિયા બંધ થયો હતો. યુએસ ફેડ રેટ, શેરબજારમાં મંદી અને ભારત પર ઉંચી ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી રૂપિયા પર દબાણ વધ્યું છે.
રોકાણકારોના 6 લાખ કરોડ ડુબ્યા
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી કડાકા સાથે ખુલતા રોકાણકારોને જંગી નુકસાન થયું છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટકેપમાં 5.93 લાખ કરોડ રૂપિયા સુધીનું ધોવાણ થયું છે. 18 ડિસેમ્બર 2024ના રોજ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 45260266.79 કરોડ રૂપિયા હતી. તો 19 ડિસેમ્બર 2024ના રોજ શેરબજારમં કડાકો બોલાતા સેન્સેક્સની માર્કેટકેપ ઘટીને 44666491.27 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.