અમદાવાદના તાંત્રિકે તેની પ્રેમિકાની હત્યા કરીને વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને તેના શરીરના કટકા કરીને લાશને દાટી દીધી હતી. જે લાશને અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને બહાર કાઢી હતી. ત્યારે જમીનમાંથી મૃતક યુવતીની ખોપરી સહિતના અવશેષો પોલીસે કબજ
.
અમદાવાદ પોલીસ દ્વારા થોડાં સમય પહેલાં તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન તેણે 13 વર્ષમાં 12 જેટલા લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જો કે, ત્યાર બાદ આ તાંત્રિકનું હાર્ટએટેકથી મોત થયું હતું. તાંત્રિકે કરેલી હત્યાઓ પૈકી એક હત્યા તેણે તેની પ્રેમિકાની કરી હતી અને તેના શરીરના કટકા કરીને પ્લાસ્ટિકના કોથળામાં ભરી તે વાંકાનેર શહેર નજીક દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું.
જેથી અમદાવાદ પોલીસ ગત બુધવારે વાંકાનેર પહોંચી હતી. વાંકાનેર પોલીસને સાથે રાખીને વાંકાનેરમાં આવેલી વીસીપરા ફાટક પાસેથી સરધારકા તરફ જવાના રસ્તા ઉપર ફાટક પાસે ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે મૃતક યુવતીના શરીરના અવશેષો પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા, જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. જે બાદ બોડીપાર્ટસને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.
આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટીના પીએસઆઇ જી.એલ.ઝાલા દ્વારા મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડા તથા તેની પત્ની સોનલ નવલસિંહ ચાવડા (રહે. બંને અમદાવાદ) તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને મૃતક તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા (રહે. ધમલપર-2 કટીંગવાળા મેલડી માતાજીના મંદિર પાસે વાંકાનેર)ની સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેથી પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.
આ ગુનામાં પોલીસે હાલમાં તાંત્રિકની પત્ની સોનલ નવલસિંહ ચાવડા અને તાંત્રિકનો ભાણેજ શક્તિરાજ ભરતભાઈ ચાવડા (ઉં.વ.23, રહે. ધમલપર-2 વાંકાનેર)ની ધરપકડ કરી છે. આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે.
અત્રે ઉલેખનીય છે કે, મૃતક તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટની નગમા કાદરભાઈ મુકાસમની હત્યા કરી હતી. કેમ કે, મૃતક યુવતીને તાંત્રિક સાથે પ્રેમસંબંધ હતો અને નગમાએ લગ્ન કરવા માટે થઈને તાંત્રિકને દબાણ કર્યું હતું. તાંત્રિક નવલસિંહ તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો, જેથી નવલસિંહ ચાવડા તથા જીગર ભનુભાઈ ગોહિલે નગમાને નવલસિંહ ચાવડાના વઢવાણ ગામે આવેલા મકાને બોલાવી હતી અને ત્યાં નગમાની હત્યા કરીને શરીરના ટુકડા કર્યા હતા. તે ટુકડાને પ્લાસ્ટિકના કોથળામાં ભરીને નવલસિંહ ચાવડાની ગાડીમાં 99 કિલોમીટર સુધી ફેરવીને વાંકાનેર પાસે જમીનમાં દાટીને તેનો નિકાલ કર્યો હતો.