સાવલીની પોકસો કોર્ટ દ્વારા સાવલી પોલીસ મથકમાં વર્ષ 2022માં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂા.50 હજારનો દંડ ફ્ટકાર્યો છે.
વર્ષ 2022ની સાલમાં સાવલી તાલુકાની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં આરોપી ઓપલ ગીરવત ભાઈ પરમાર (મૂળ રહે નારા, તા. સાવલી)એ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેને ભગાડી જઈ ત્રણ માસ સુધી રાજકોટ, નાપા, ડુંગરીપુર, ગુતરડી જેવા સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ સાવલી પોલીસ મથકે કરાતા પોલીસે તેની ધરપકડ કરી પોકસો સહિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.
જે અંગેનો કેસ સાવલીની પોકસો કોર્ટમાં ચાલી જતા જજ જે.એ. ઠક્કરે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને કસુરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 25 હજારનો દંડ ફ્ટકાર્યો છે, સાથે અન્ય ગુનામાં ત્રણ વર્ષ અને 3,000નો દંડ તેમજ બીજા ગુનામાં પાંચ વર્ષ અને 5,000 નો દંડ ફ્ટકાર્યો છે. તેમજ આરોપી દંડની જે રકમ ભરે તે ભોગ બનનારના પરિવારને વળતર તરીકે ચુકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. અને આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષ ની સજાનો હુકમ કર્યો છે.