જૂનાગઢ: લોકો રજાના દિવસોમાં હરવા-ફરવાનો પ્લાન બનાવતા હોય છે. અનેક પ્રવાસીઓ સાસણ ગીરમાં સિંહ દર્શન કરવા માટે આવે છે. સાસણ ગીરને સિંહનું ગઢ કહેવામાં આવે છે. જેથી સાસણમાં દેશ-વિદેશથી લોકો અહીં ફરવા અને આનંદ માણવા માટે આવતા હોય છે. અહીં સિંહ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. જેથી લોકોને અહીં રહેવા અને જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. જેની માટે અહીં સિંહ સદન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ સિંહ સદન આજે 113 વર્ષનું થયું છે. જેથી આ ખાસ અવસર પર સિંહ સદન નામ પાછળનું કારણ અને તેના ઇતિહાસ વિશે આજે આપણે જાણીશું.
1911માં કરવામાં આવી હતી સ્થાપના
નવાબ મહોબતખાનજી બાબીએ 11 નવેમ્બર 1911ના દિવસે અહીં પ્રથમ મુકામ કરેલું હતું. ત્યારબાદ નવાબ રાજવી અહીં પોતાનો સમય વિતાવતા હતા. પોતાના રાજ્યનું સંચાલન અહીંના મુકામ સમયે ખેપિયા અને વહીવટદારો વતી કરતા. આમ રાજ્યવહી એટલે કે શાસન અહીંથી થતાં ગામનું નામ શાસન રાખ્યું હતું. જે બાદ ધીરે ધીરે આ ગામનું નામ અપભ્રંશ થઈને સાસણ થયું હતું.
આ રીતે પડ્યું સિંહ સદન નામ
જે તે સમયના શાસન ગામમાં સિંહોની વસ્તી વધારે રહેતી હતી. જે હાલના સમયમાં પણ સાસણ સિંહોનું ગઢ માનવામાં આવે છે. જેથી હાલમાં સિંહોની વસ્તી વધારે છે. ત્યારે જે તે સમયે સિંહોની વસ્તી વધારે જોવા મળતા આ બંગલાને સિંહ સદનનું નામકરણ કરવામાં આવ્યું.
સિંહ સદન બંગલાનો વહીવટ જંગલખાતાએ સંભાળ્યો
આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. ત્યારે આ નવાબી સમયે સ્થાપન થયેલો સિંહ સદન બંગલાનો વહીવટ જંગલખાતા હસ્તક આવ્યો. ત્યારબાદ બંગલાનો વહીવટ અને અહીંની જાણવણીની શરૂઆત વનવિભાગ દ્વારા સાંભળવામાં આવી છે.
આમ, આ સિંહ સદન 11-11-1911થી આજ સુધી એટલે કે 113 વર્ષ પૂર્ણ કરી 114ના વર્ષમાં પ્રવેશ્યું છે. આજ દિન સુધી અહીં અવિરતપણે નવા ફેરફાર કર્યા છતાંય આ સિંહ સદન અડીખમ ઉભું છે. મહત્વનું છે કે, અહીં દેશ-વિદેશથી આવતા નાગરિકોને રહેવા-જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જંગલ સફારીમાં જવા માટે પણ અહીંથી જ લઈ જવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર