- ઠેર ઠેર બનાવાયેલા નાના કદના વાઇબ્રેટર બમ્પથી અકસ્માતના બનાવ વધ્યાં હતાં
- બમ્પ દૂર કરી દેવાતા ધોરીમાર્ગ પરથી પસાર થતા નાનામોટા વાહનચાલકોને રાહત થઇ
- લાંબા ધોરીમાર્ગ ઉપર ઊંચા ટેકરાવાળા બમ્પથી અકસ્માતની ભીતિ
વર્લ્ડ બેંક લોનની મદદથી ડભોઇ-બોડેલી સુધીના 38 કિ.મિના હાઇવે માર્ગને આજથી દસ વર્ષ પહેલા સ્ટેટ રોડ પ્રોજેક્ટની દેખરેખ હેઠળ બનાવ્યો હતો. ત્યારે આ સમયે ઠેરે ઠેર બનાવી દેવામાં આવેલા નાના કદના વાઇબ્રેટર બમ્પ દરેક વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બન્યા હતા. સાથે આવા સ્થળે કોઈક જીવ ગુમાવતા હતા. તો કેટલાક ઈજાગ્રસ્ત બનતા હતા. આ ડભોઇ બોડેલી સ્ટેટ હાઇવે પરના અસંખ્ય બમ્પ અકસ્માતનું કારણ બની ગયા હતા. જોકે હાલમાં ચાલી રહેલ નવિન માર્ગની કામગીરી દરમિયાન તમામ નાના બમ્પોને દૂર કરી દેવામાં આવતા નાના – મોટા વાહન ચાલકોને પોતાના વાહનોને તેજ ગતિએ દોડાવવામાં મોટી રાહત થઇ હોવાનું જોઈ શકાય છે .
વર્ષ 2015-16ના સમયગાળા દરમિયાન નવા સોલ્ડર સાથે પહોળાઈને વધારી 38 કિ.મિના ડભોઇ – બોડેલી સ્ટેટ હાઇવે માર્ગને બનાવવામાં આવ્યો હતો. ત્યારે જેમાં 25થી પણ વધુ જગ્યાએ નાના કદના વાઈબ્રેટર બમ્પ બનાવાયા હતા. જેને લઈને આવી જગ્યાઓ ઉપર અનેક વાહન ચાલકોને પોતાના વાહનને અચાનક બ્રેક મારવાની ફરજ પડતા આવા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ વાહનો અકસ્માતનો ભોગ બનતા જેમાં કેટલાક વાહન ચાલકો પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા જાન ગુમાવતા કાંતો પછી ઇજાગ્રસ્ત બનતા જેમાં સૌથી વધુ આ માર્ગથી અજાણ્યા વાહનચાલકો પોતાના વાહનને બ્રેક મારતા કાંતો પછી તેજ ગતિએ બમ્પ કુદાવી દેતા હતા. જેને લઇને ડભોઇ – બોડેલી માર્ગ ઉપરના બમ્પો ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે હાલની કામગીરી દરમિયાન તમામ નાના વાઇબ્રેટર બમ્પોને દૂર કરી જેની જગ્યાએ સફેદ – પીળા કલરના પટ્ટા મારતા માર્ગની રોનક બદલાઈ જવા પામી છે.
ડભોઇ – બોડેલીના 38 કિ.મિ લાંબા માર્ગ ઉપર સંખેડા તાલુકાના ગોલા ગામડી ચાર રસ્તાથી ડભોઇ તરફ્ જતા સર્કલથી આશરે 200 મિટરના અંતરે માર્ગના એક સાઈડના ભાગે સાંપોલીયાની માફ્ક એક સાથે પચ્ચીસથી પણ વધુ નાના કદના વાઇબ્રેટર બમ્પ તેમજ ગોપાલપુરા નજીક આવા નાના બમ્પો સાથે ડામરના ટેકરા સમાન ઊંચાઈવાળા બમ્પ બનાવી દેવાતા આવી જગ્યાઓએ રોજે રોજ અકસ્માતના બનાવ બનતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતુ .
ડભોઇ-બોડેલી વચ્ચે ધોરીમાર્ગ ઉપર નાના વાઇબ્રેટર બમ્પ નહી બનાવાય
છેલ્લા એક મહિના ઉપરાંત સમયથી ચાલી રહેલ ડભોઇ – બોડેલી માર્ગની કામગીરી પૂર્ણ થયા પછી અગાઉની જેમ નાના વાઈબ્રેટર બમ્પ ફરી બનાવવામાં આવશે કે કેમ ? તે બાબતે બોડેલી સ્ટેટ આર એન્ડ બી નાયબ કાર્યપાલક ઈજનેર કિરણભાઇ સાથે વાતચિત કરતા તેવોએ મારી કામગીરીની ફરજ ઢોકળીયાથી મંગલ ભારતી સુધીની હોય આ 24.5 કિ.મિ સુધીના માર્ગ ઉપર આવા કોઈ બમ્પ મુકવામાં નહી આવે હોવાનું જણાવ્યું હતુ.