હિંમતનગરના ટાઉન હોલ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના થીમ સાથે સામૂહિક સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.
આ સફાઇ અભિયાનમાં મહાનુભવોએ ટાઉન હોલ ખાતેથી ભોલેશ્વર બ્રિજ બાજુ સફાઇ કરી અભિયાનની શરૂઆત કરાવી હતી. સાંસદે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના થીમ સાથે દેશમાં સ્વચ્છતા હી સેવા સફાઇ અભિયાનની શરૂઆત કરાઇ છે. આ સ્વચ્છતા પખવાડિયા પૂરતી સીમીત ન બનતા આપણા સંસ્કાર બને તે ખૂબ મહત્વનું છે. સ્વચ્છતાના આગ્રહી બની ઘર, આંગણુ, શેરી થકી આપણા ગામ અને શહેરને સ્વચ્છ બનાવી જિલ્લા અને રાજ્યને દેશને સ્વચ્છ બનાવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન શરૂ થયેલા આ સેવા યજ્ઞમાં જોડાઇએ. બાળકોને ખાસ સ્વચ્છતાના મહત્વને સમજાવી કચરો કચરા પેટીમાં નાખીએ, બને તેટલો પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળીએ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હિમાચલ દેશનું પ્રથમ પ્લાસ્ટીક મુક્ત રાજ્ય બન્યું એમ ગુજરાતને પણ પ્લાસ્ટીક મુક્ત બનાવી દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવામાં સહભાગી બનીએ. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં આપણે સૌ સહભાગી બની સ્વચ્છતાના આગ્ર્રહી બની આપણા શહેર અને ગામડાઓને સ્વચ્છ બનાવીએ. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો.રતનકંવર ગઢવીચારણ, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, કારોબારી ચેરમેન જીનલ પટેલ તેમજ અમલીકરણ અધિકારીઓ અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત મોડાસામાં કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તારમાં જે.બી.શાહ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરવલ્લી કલેક્ટર,નગરપાલિકા પ્રમુખ,ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ,સંગઠનના હોદ્દેદારો,ગાયત્રી પરિવાર,જુદી-જુદી એનજીઓ,શહેરના આગેવાનો અને નગરપાલિકાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાની સખી મંડળની બહેનોને કચરાના વર્ગીકરણ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો તેમજ પાલિકાના 13 જીવીપીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. શહેરમાં મુખ્ય રસ્તાની બંને બાજુની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત 300 કરતાં વધુ વૃક્ષોનું વાવેતર રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.