લોભીયાઓ હોય ત્યાં ધૂતારાઓ ક્યારેય ભૂખે મરતા હોતા નથી !!! આ ઉક્તિ સમયાંતરે સાચી સાબિત થઇ છે. વર્ષ 2002માં ગુજરાતમાં જે પ્રકારે એમએલએમ માર્કેટિંગનો ફુગ્ગો ફુટી જતાં રોકાણકારો પર વીજળીનો ભયંકર પ્રહાર થયો હતો.
બિલકુલ તે જ રીતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પ્રચંડ આર્થિક ભૂકંપના એંધાણ પ્રવર્તી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. રોકાણ પર ઉંચા વ્યાજની લાલચ આપી બંન્ને જિલ્લામાંથી લગભગ રૂ.2000 કરોડથી વધુનું રોકાણ મેળવનારા એક રોકાણકાર જૂથે રચેલી માયાજાળ હવાહવાઇ હોવાની આર્થિક ક્ષેત્રના તજજ્ઞોમાં ચર્ચાઓ શરૂ થતાં રોકાણકારોમાં પણ સળવળાટ શરૂ થયો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2002માં મલ્ટી લેવલ માર્કેટિંગના નામે હજારો નાના રોકાણકારોને શીશામાં ઉતારી કરોડો રૂપિયાનું રોકાણ મેળવવામાં આવ્યું હતું. ત્યાર પછી ઠગે ફૂલેકું ફોરવતાં હજારો રોકાણકારોના માથે વીજળી ત્રાટકી હતી. આ સ્કીમમાં રોકાણ કરનારા હજારો રોકાણકાર પરિવારોની જીવનભરની મૂડી સલવાઇ ગઇ હતી. આ આર્થિક કૌભાંડે તે સમયે પણ ભારે ચર્ચા જગાવી હતી. આજે પણ નવી કંપનીઓ બનાવી નવા દાવ અજમાવી ફરી પાછા નવા રોકાણકારોને ઠગવાના સીલસીલા જારી છે. આ પ્રકારનાં આર્થિક કૌભાંડો, સ્કેમ પછી પણ લોભીયાઓને ઠગવાનો નવા નવા ધુતારાઓનો આ ક્રમ અટક્યો નથી અને આજે પણ નવા નવા નામો અને નવી જ મોડસ ઓપરેન્ડી સ્વરૂપે જારી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ મોડસ ઓપરેન્ડી એ જ જૂની પણ રૂપિયાના રોકાણ સામે ઉંચા વ્યાજના વળતરના નામે એક કહેવાતું રોકાણકાર જૂથ બે-ત્રણ વર્ષમાં જ મસમોટી માયાજાળ ફેલાવવામાં સફળ રહ્યું છે. ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, બંન્ને જિલ્લામાંથી થયેલા કુલ રોકાણનો આંકડો આજે લગભગ બે હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. આજે પણ રોજે રોજ નવા રોકાણકારોને સીફતપૂર્વક શીશામાં ઉતારવામાં આવી રહ્યા છે અને હયાત રોકાણકાર નવો રોકાણકાર ખેંચી લાવે તો તેની ટકાવારી મળતી હોવાથી દિવસ-રાત રૂપિયાનો રીતસરનો વરસાદ વરસી રહ્યો હોવાની ચર્ચાઓ ખુદ રોકાણકારોમાં જ ચાલી રહી છે. સેલિબ્રિટીઓ અને ફિલ્મી હસ્તીઓને આગળ ધરી બીટકોઇનમાં રોકાણના દિવાસ્વપ્નો બતાવી રોકાણકારોને આબાદ શીશામાં ઉતારવામાં આવી રહ્યા છે તેવી પણ ચર્ચાઓ છે. રોકેલી રકમનું બેન્કોની સરખામણીએ ઉંચું વ્યાજ મળી જતું હોવાથી રોકાણકારો જ નવા નવા ગ્રાહકો શોધીને લાવી રહ્યા હોવાની ચર્ચાઓ છે. પરંતુ આર્થિક ક્ષેત્રના જાણકારોમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી તીસરે કે સર…ના ચાલી રહેલા આ ખેલમાં રોજ નવા રોકાણકારો મળતા રહેતા હોઇ આર્થિક સાઇકલનું ચક્ર પણ ગતિમાનમાં છે. રોકાણકારોમાં નાના મધ્યમવર્ગીય માણસોથી લઇને સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને મોટા ગજાના રાજકારણીઓ પણ હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. પરંતુ ગતિમાનમાં રહેતી આર્થિક સાઇકલના ચક્રની સ્પીડ ધીમે ધીમે ઘટી રહી હોવાની આ ક્ષેત્રના તજજ્ઞોમાં ચર્ચાઓ શરૂ થઇ છે. ચકોર દૃષ્ટિ ધરાવતા લોકોએ આગામી સમયમાં આ ચક્રની ગતિ પર બ્રેક લાગી જશે તેવી ચર્ચાઓ શરૂ કરી છે. ધરતીની નીચે પેટાળમાં ભૂકંપ આવે તે પહેલાં જમીન પર સંકેતો મળતાં હોય છે. તેમ આર્થિક ક્ષેત્રના તજજ્ઞોએ બંન્ને જિલ્લામાં આગામી સમયમાં પ્રચંડ આર્થિક ભૂકંપ આવવાના એંધાણ વ્યક્ત કર્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. સેલિબ્રિટીઓ, ફિલ્મી હસ્તીઓને આગળ ધરી રોકાણકારોને શીશામાં ઉતારાયાની ચર્ચાઓ !
લોકોમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે મોટા મોટા શહેરોમાં ઝાકઝમાળભરી, આંખો આંજી દેતી ઇવેન્ટ યોજી સેલિબ્રિટીઓ, ફિલ્મી હસ્તીઓને બોલાવી રોકાણકારોને શીશામાં ઉતારી રોકાણ મેળવવામાં આવ્યું હોવાની ચર્ચાઓ છે. સરકારી કાયદાઓ-કાનૂનોનું પાલન કરીને મોટા બિઝનેસ એમ્પાયર ઉભા કરનારા નામી બિઝનેસમેનોને પણ પાંચ-સાત કરોડની લક્ઝુરિયસ કાર ખરીદવામાં યુવાની પસાર થઇ જતી હોય છે અને પ્રૌઢાવસ્થા આવી જતી હોય છે. ત્યારે ટૂંકા ગાળામાં જાહોજલાલી કાયદાઓનો ભંગ કરી અપનાવાતા શોર્ટકટ સિવાય આવતી નથી એવી ચર્ચાઓ જિલ્લાના ટોચના અધિકારીઓમાં પણ ચાલી છે. પાંચ-સાત કરોડની લક્ઝુરિયસ ગાડીઓ સાથેના ફોટાઓ જોઇને જિલ્લાવાસીઓ પણ માથું ખંજવાળી રહ્યા છે. મધ હોય ત્યાં હજારો માખીઓ બણબણે તેમ મુખૌટા પાછળ સંખ્યાબંધ લોકો રાતોરાત ફરતા થઇ ગયા હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે. જાણકારોમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે આ મુખૌટાની પાછળ કોઇ મોટો ખેલાડી હોવાની પણ જિલ્લાવાસીઓમાં આશંકાઓ પ્રવર્તી રહી છે. ફુગ્ગો ફૂટી જાય પછી મુખૌટો ઝડપાય અને પરદા પાછળ રહેલો ખેલાડી છટકી જાય તેવી કાનૂની આંટીઘૂટીઓને પહેલેથી દસ્તાવેજી અંજામ આપી દેવાયો હોવાની આશંકાઓ પણ જિલ્લાવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇન્કમટેક્સના નિયમો તાક પર મૂકી વિદેશોમાં રોજેરોજ લાખો-કરોડો રૂપિયાના હવાલા પડતા હોવાની અને રોકડેથી વ્યવહાર થતો હોવાની ચર્ચાઓએ ટોચની તપાસ એજન્સીઓનું આ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.