સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીરની ઉપમા ધરાવતા વિજયનગર પોલો ફોરેસ્ટમાં આઠમી શતાબ્દીના જૈન મંદિરો આવેલા છે. જોકે એક તરફ દિવાળી વેકેશનના પગલે મુલાકાતીઓ વધનાર છે ત્યારે જૈન મંદિરોના ખંભાતી તારા ખૂલે તો આગામી સમયમાં હજુ પણ પોલો ફોરેસ્ટની લોકપ્રિયતામાં વધારો થઈ શકે તેમ છે.
પ્રવાસીઓમાં વધારો થવાની જગ્યાએ હાલમાં ઘટાડો થઈ રહ્યો છે
સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં આઠમી શતાબ્દીના પ્રખ્યાત જૈન મંદિર આવેલા છે. સાથો-સાથ કુદરતી સૌંદર્યના પગલે ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીરનું બિરુદ ધરાવે છે. જોકે ઉનાળુ તેમજ દિવાળી વેકેશન દરમિયાન કેટલાય પ્રવાસીઓ પોલો ફોરેસ્ટની મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોના સમયથી જૈન મંદિરો સમારકામ કરાયા બાદ પણ બંધ હાલતમાં છે. પ્રવાસીઓમાં વધારો થવાની જગ્યાએ હાલમાં ઘટાડો થઈ રહ્યો છે. જેની માઠી અસર સ્થાનિક કક્ષાએ રોજગાર ઉપર પણ થઈ રહી છે. એક તરફ વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે કેટલાય પ્રોજેક્ટ થકી વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો. તેવા સમય સંજોગે પોલો ફોરેસ્ટમાં બંધ કરાયેલા જૈન મંદિરોના ખંભાતી તારા ખોલવામાં આવે તો વધુ એક વાર સ્થાનિક રોજગારીમાં વધારો થઈ શકે તેમ જ મુલાકાતની સંખ્યા પણ વધી શકે તેમ છે. જેથી સ્થાનિક લોકોને મળતી રોજગારી પણ વધશે તે નક્કી છે.
જૈન મંદિર ખુલે તો હજુ રોજગારીની તકો વધી શકે
જોકે સ્થાનિક રોજગારી સહિત મુલાકાતઓની સંખ્યા મામલે પોલો ફોરેસ્ટમાં ગાઈડ તરીકે ભૂમિકા ભજવતા દલસુખભાઈ સહિતના લોકો પણ જૈન મંદિર ખુલે તો હજુ રોજગારીની તકો વધી શકે તેમ માની રહ્યા છે. સાથોસાથ પોલો ફોરેસ્ટમાં સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લા તેમજ રાજસ્થાનથી આવતા પ્રવાસીઓ માટે આઠમી શતાબ્દીના જૈન મંદિરોનું અનેરુ આકર્ષણ હોય છે. જોકે સોશિયલ મીડિયામાં પ્રચાર અંતર્ગત જ્યારે પોલો ફોરેસ્ટની મુલાકાતે આવે છે ત્યારે પોલો ફોરેસ્ટમાં ત્રણ વર્ષ બાદ પણ જૈન મંદિર જોઈ શકતા નથી. જેના પગલે પ્રવાસીઓ તેમજ મુલાકાતઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક રોજગારી વધારવા માટે જૈન મંદિરોના ખંભાતી તાળા ખુલે તે પણ જરૂરી છે.
જોકે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા જૈન મંદિરના તાળા ખોલવા માટે કેટલા અને કેવા પ્રયાસો હાથ ધરાય છે તે પણ મહત્વનું બની રહે છે. સાથો સાથ સ્થાનિક લોકોની રોજગારી માટે પણ તંત્ર દ્વારા કેટલી ગંભીરતા લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે.