ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તેમજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ અંતર્ગત 23 વર્ષ યથાવત રીતે પ્રયાસ કરતા ગુજરાત સરકારની શરૂઆત થઈ છે. જે અંતર્ગત આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી દ્વારા વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયા હતા. સાથોસાથ છેવાડાના વ્યક્તિના વિકાસની વિગતો રજૂ કરી હતી. તેમજ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણ માટે વિકાસ સપ્તાહ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
હિંમતનગરમાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ
સાબરકાંઠાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે આજે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના વહીવટી તંત્ર સહિત તાલુકાકક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોલતા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ટેલી ફિલ્મ પણ દર્શાવાઈ હતી.
અવિરત વિકાસયાત્રા યથાવત
જેમાં 2001માં છેવાડાના વ્યક્તિના જીવન નિર્વાહ માટે વાર્ષિક રૂપિયા 20,000ની આવકની સામે હાલમાં બે લાખથી વધારે આવક નોંધાઈ હોવાનું જણાવ્યું હતું. વીજળી ક્ષેત્રે અન્ય રાજ્યો પાસેથી ઉધાર લેવાની જગ્યાએ ગુજરાતમાં વ્યક્તિદીઠ સરપ્લસ વીજળી હોવાની રજૂઆત કરી હતી. જો કે, 2001માં ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે અવિરત વિકાસયાત્રા યથાવત રાખી હતી.
2047 સધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પ્રયત્નશીલ બનવાની હાકલ
છેલ્લા 10 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની પરિભાષા થકી વિશેષ સ્થાન હાંસલ કર્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ સપ્તાહને ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત આજે હિંમતનગર ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગીદાર બન્યા હતા સાથોસાથ 2047 સધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પ્રયત્નશીલ બનવાની હાકલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિના 23 વર્ષ પૂર્ણ
નરેન્દ્ર મોદીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના રોજ શપથ લીધા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા આયામો જોયા અને તેમની નેતૃત્વ ક્ષમતાએ તેમને પછીથી દેશના વડાપ્રધાન બનાવ્યા. આમ 23 વર્ષ પહેલાની આ ઘટના એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. જેણે ભારતીય રાજકારણમાં પીએમ મોદીના પ્રભાવશાળી નેતૃત્વની સ્થાપના કરી.
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા
નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2014માં દેશના વડાપ્રધાન બન્યા સુધી તેઓ સતત ચૂંટણી જીતતા રહ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદ છોડીને દેશના વડાપ્રધાનની ભાગદોડ સંભાળી હતી. એ જ વર્ષે 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે.