સાબરકાંઠાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર હિંમતનગર નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે ખાનગી કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી 6 જેટલા આરોપીઓએ 5 કરોડની ખંડણી માગી બે વેપારીઓને માર માર્યા હોવાનું ખુલ્યું છે.
5 વ્યક્તિઓએ ભેગા થઈને ધમકી આપી હતી અને 5 કરોડની ખંડણી માગી
જેમાં મુંબઈથી આવેલા વેપારીને રાજેન્દ્ર સંઘવી નામના આરોપીએ ભાડે દુકાન રાખી તેમાં એક લાખ જેટલી સ્વામિનારાયણ સંપ્રદાયની ટોપીઓ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાનું જણાવી બાપ દીકરાને બોલાવ્યા હતા, જ્યાં તેમની સાથે અન્ય 5 વ્યક્તિઓએ ભેગા થઈને ધમકી આપી હતી તેમજ 5 કરોડની ખંડણી માગી હતી. જોકે મુંબઈથી આવેલા વેપારીઓએ જીવિત રહેવા માટે 50 લાખ આપવાની વાત કરી હતી, જેના પગલે મુંબઈથી આવેલા વેપારીઓએ તેમના ભાઈ તેમજ મિત્રને 50 લાખની રકમ મોકલી આપવા જણાવ્યું હતું.
પોલીસ મથકે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
જોકે તેમના મિત્રએ 50 લાખની રકમ જેટલો માલ ન હોવાનો જણાવવાની સાથે સાથે ઘટના સ્થળના લોકેશન તેમજ વીડિયો કોલ કરવાનું જણાવતા આરોપીઓને પકડાઈ જવાનો ભય લાગ્યો હતો. જોકે આરોપીઓએ આ મામલે મુંબઈથી આવેલા બંને વેપારીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ચૂક્યા હતા, જેના પગલે હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
આરોપીને પકડવા બાબતે પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સાથોસાથ મુંબઈથી આવેલા વેપારીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જોકે હિંમતનગરમાં 5 કરોડની ખંડણીની વાતને પગલે સમગ્ર શહેરમાં ભારે હડકંપ સર્જાયો છે. હાલમાં રાજેન્દ્ર સંઘવી અહીંયા દુકાન કોની ભાડે રાખી તેમજ આ મામલે કેટલા લોકો શામેલ છે તે દિશામાં આરોપીને પકડવા બાબતે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે સમગ્ર મામલે ક્યાંક વેપારી અને ખંડણી ખોર વચ્ચે ક્યાંક કોઈ લેણદેણ કે અથવા અન્ય કોઈ જાણભેદુ હોય શકે, જોકે પોલીસ આ મામલે કેટલી ગંભીર થઈ મુંબઈના વેપારી મામલે કેવો પડદો ઉઠાવે છે તે જોઉં રહ્યું.