સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા ગુજરાતના પ્રથમ શીખરબંધી એવા કાલ ભૈરવ મંદિર બોલુન્દ્રા(રૂવચ) ખાતે આજે તા.23 નવેમ્બર શનિવારે કાલ ભૈરવ જયંતિની ઉજવણીનું આયોજન કરાયું છે, જે અંતર્ગંત રાત્રે 08 કલાકે યોજાનાર રંગ કસુંબલ ડાયરામાં અનેક નામી-અનામી કલાકારો હાજર રહીને લોકગીતો, ગરબા, ભજન તથા હાસ્ય રસનો ખજાનાનો રસથાળ રજુ કરશે. કાલભૈરવ મંદિર ટ્રસ્ટ દ્વારા કાલ ભૈરવ દાદાના જન્મ દિવસની ઉજવણીને લઈને સમગ્ર મંદિર અને પરીસરને ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યુ છે.
નામી કલાકારો ડાયરામાં ઉપસ્થિત રહેશે
આ અંગે કાલ ભૈરવ મંદિર ટ્રસ્ટના મંત્રી અને જાણીતા ગુજરાતી ગાયક ભીખુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, દર વર્ષની જેમ કારતક વદ આઠમે બોલુન્દ્રા ખાતે આવેલા ભૈરવધામમાં કાલ ભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સવારે 301 ભોગ દર્શન, બપોરના સમયે કાલ ભૈરવ યાગ(હવન)નું આયોજન કરાયું, જયારે રાત્રે 08 કલાકે ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું છે. જેમાં પ્રસિધ્ધ ફરીદા મીર, બાળ કલાકાર જીગર ઠાકોર, ગાયક વરદાન બારોટ, હાસ્ય કલાકાર સુખદેવ ગઢવી સહિત નામી અનામી કલાકારો ઉપસ્થિત રહીને લોકગીતો, ગરબા, ભજન, હાસ્યરસનો ખજાનાનો રસથાળ પીરસશે. જે ડાયરાને માણવા અને કાલભૈરવના દર્શન કરવા માત્ર સાબરકાંઠા જિલ્લાના જ નહીં પરંતુ પડોશી જિલ્લાઓ મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં રહેતા કાલભૈરવ દાદાના હજારો ભક્તો ઉમટી પડે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીઓ, ગામના યુવાનો, ઉપરાંત પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર પણ ભારે જહેમત ઉઠાવી છે.