India Republic Day 26 January: 26 જાન્યુઆરી 2025ના રોજ ભારત 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. 26 જાન્યુઆરી દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ હોય છે. 76 વર્ષ પહેલા આ તારીખે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં કર્તવ્યપથ પર થતી પરેડ અને ટેબ્લો લોકોને આકર્ષિત કરે છે. શું તમે જાણો છો કે ગણતંત્ર દિવસની પહેલી પરેડ કર્તવ્યપથ (પહેલા રાજપથ) પર નહોતી થઈ. હા તે સાચું છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ દિલ્હીમાં પ્રથમ પ્રજાસત્તાક દિવસની પરેડ રાજપથને બદલે ઇરવીન સ્ટેડિયમમાં યોજાઇ હતી, જે હાલ હવે નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.
ડો.રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
26 જાન્યુઆરી, 1950ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ડો.રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. આ દિવસે સવારે 10:18 વાગ્યે, દેશનું બંધારણ અમલમાં આવ્યાની 6 મિનિટ પછી એટલે કે સવારે 10:24 વાગે ડો.રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા હતા. આ પછી, તેમણે 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા તરીકે પણ જાહેર કરી હતી. આ પ્રસંગે ઇર્વિન સ્ટેડિયમમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા લહેરાવવામાં આવ્યો હતો અને તેને 30 તોપોની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ 21 તોપોની સલામી આપવામાં આવે છે.
પ્રથમ પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી?
સ્વતંત્ર ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ ૨6 જાન્યુઆરી, 1950ના રોજ ઉજવ્યો. આ દિવસે જ્યારે દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે દિલ્હીમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર પુરાના કિલ્લાની સામે સ્થિત ઇરવીન સ્ટેડિયમમાં પહેલીવાર ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં આ સ્થળે દિલ્હીનું પ્રાણીસંગ્રહાલય છે અને ઇરવીન સ્ટેડિયમ પછીથી નેશનલ સ્ટેડિયમ અને હવે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.
5 વર્ષ સુધી જગ્યા બદલાઈ
1950 થી 1954 સુધી ગણતંત્ર દિવસની પરેડ ઇરવીન સ્ટેડિયમ, કિંગ્સવે કેમ્પ, લાલ કિલ્લો અને ક્યારેક રામલીલા મેદાનમાં યોજાઇ હતી. આ પછી પરેડ માટે રાજપથ (હાલ કર્તવ્યપથ)ની પસંદગી કરવામાં આવી હતી. આ પરેડ રાયસીના હિલથી રાજપથ થઇ લાલ કિલ્લા સુધી થવા લાગી. આ રૂટ લગભગ 5 કિમી લાંબો છે, જેમાં ઘણી ફેરફાર થયા છે. પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસ ના કાર્યક્રમમાં પરેડ સાથે ટેબ્લોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. પહેલી વાર 26 જાન્યુઆરી 1953ના રોજ પરેડમાં સેના અને અન્ય દળોની સાથે રાજ્યોના ટેબ્લોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. નવી દિલ્હીના વિજય ચોકમાં દર વર્ષે 29 જાન્યુઆરીએ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની 1600ના દાયકાની પરંપરા સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો | Republic Day 2025: ભારતે પાકિસ્તાન પાસે ટોસ કરીને જીતી હતી રાષ્ટ્રપતિની શાહી બગ્ગી, રસપ્રદ છે તેની કહાણી
પ્રથમ પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ કોણ હતું?
પ્રથમ પ્રજાસત્તાક દિને વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.