રાજકોટના કોર્પોરેટરને 40 વર્ષ ખબર પડી કે ગ્રાન્ટ ક્યાં વાપરવી. કોર્પોરેટરને સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ મૂળ કયા કામોમાં વાપરવી તેને લઈને ચોક્કસ જાણકારી નહોતી. કોર્પોરેટરને લાંબા સમયના ગાળા બાદ ખબર પડી કે 80 લાખની ગ્રાન્ટ 71 કામોમાં વાપરવામાં આવે છે. એક બાજુ ગુજરાતના શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની વાતો ચાલી રહી છે ત્યારે સત્તાધીશો પોતાની કામગીરીથી અજાણ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને વિકાસના કામો માટે વર્ષે રૂ. 80 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કોર્પોરેટરો આ ગ્રાન્ટનો ઉપયોગ મોટાભાગે બાંકડા, પેવીંગ બ્લોક, સાઈન બોર્ડ, ટ્રી-ગાર્ડ જેવા કામોમાં જ કરતા હતા. પરંતુ કોંગ્રેસે કોર્પોરેટરની કામગીરીને લઈને સવાલો કરતાં હકીકત સામે આવી. કોર્પોરેટરને જ્ઞાન આવ્યું કે ફક્ત ગણ્યા ગાંઠ્યા કામો ઉપરાંત કૂલ 71 કામોમાં ગ્રાન્ટનો ઉપોયગ કરી શકાય છે.
71 કામોમાં ગ્રાન્ટનો ઉપયોગ
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને અન્ય પાલિકાઓમાંથી સર્વે કરતાં 71 કામોમાં ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાય તેવું સામે આવતા અધિકારીઓને જરૂરી આદેશો આપ્યા. જેના બાદ ચેરમેને તાત્કાલિક અસરથી આ 71 કામોની યાદી તૈયાર કરી અને જાહેર કરી. અને કોર્પોરેટરને તે મુજબના કામ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી કરવા આદેશો આપ્યા. તેથી હવે જીમ, દવાખાના, સીવીક સેન્ટર, સ્વીમીંગ પુલ, શાળા અને સીસીટીવી સહિતનાં કામો માટે ગ્રાન્ટનો ઉપયોગ થતાં લોકોની સુવિધામાં વધારો થશે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર, નગરસેવકોની ગ્રાન્ટમાંથી રાજકોટમાં મુખ્યત્વે પેવીંગ બ્લોક, સોસાયટીઓ અને રાજમાર્ગોમાં દિશાસૂચક સાઇનબોર્ડ, રહેણાંક વિસ્તારોમાં પેવીંગ બ્લોક સહિતના કામો કરવામાં આવતા હતા. રાજકોટ મહાનરગપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આજ સુધી કોર્પોરેટરની ગ્રાન્ટોમાંથી થતાં પાંચથી સાત પ્રકારના કામોના સ્થાને હવે 71 જેટલા કામો કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયામાં સમયનો વેડફાટ બચી જશે. તો દરેક વોર્ડના કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કે જે રૂ. 10 લાખની અંદર થતાં હોય તેવા વિવિધ કામો તુરંત કરી શકશે. જેના લીધે વોર્ડના નાના કામોને વેગ પ્રાપ્ત થશે.
ગ્રાન્ટ વાપરવા માટેના નિયમો
• કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ફકત પોતાના વોર્ડ પૂરતો કરવાનો રહેશે.
• ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે પ્રાથમિક સુવિધાના નવા કામો તથા મરામત/જાળવણી કામો જ સુચવી શકાશે.
•આ ગ્રાન્ટમાંથી કોઈ સંસ્થાને અનુદાન કે ગ્રાન્ટ ફાળવી શકાશે નહીં.
• ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો જે તે વર્ષમાં જ ઉપયોગ કરવાનો રહેશે વર્ષ પૂર્ણ થયા બાદ વધતી ગ્રાન્ટનો ઉપયોગ ત્યાર બાદના વર્ષમાં ઉપયોગમાં લઈ શકાશે નહીં.
• જે-તે વર્ષ પૂર્ણ થતા પહેલા લખીને આપેલ હોય તેવી ગ્રાન્ટના વહીવટી કાર્યવાહી બાકી હોય તો તે પૂર્ણ કરવી પડશે.
• કોર્પોરેટરને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ વ્યકિતગત કામ માટે કરી શકાશે નહીં.
• આ ગ્રાન્ટ માત્ર સામુહિક સુવિધાના ઉપયોગ માટે ફાળવી શકાશે.
• કોર્પોરેટર દ્વારા ફાળવાતી ગ્રાન્ટ સામે સુચવવામાં આવેલા કામગીરીની શાખા અધિકારી દ્વારા ખરાઈ થયા બાદ જો જરૂરિયાત જણાય તો મંજૂરી આપવામાં આવશે. બાકી ફેર વિચારણા માટે પરત મોકલવામાં આવશે.
• કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવતા કામ અંગે પોતાના લેટર પેડ ઉપર સહી કરી માંગણી રજૂ કરવાની રહેશે જેમાં કરવાની થતી કામની ચોકકસ જગ્યા(સરનામું) દર્શાવવાનું રહેશે.
• કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવેલ કામ અંગે દિન-15માં જરૂરી વહિવટી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
• આ મુજબનાં કામોમાં ગ્રાન્ટ વાપરી શકાશે
• સ્લમમાં પાણીના નિકાલ, આરસીસી, જાજરૂ, ડામર રોડ
• નાની શેરી ગલીઓમાં ડામર રોડ
• ટ્રાફિક નિયમન માટે ડિવાઇડર, સ્પીડબ્રેકર, ટ્રાફિક સર્કલ
• જીમ, દવાખાના, સીવીક સેન્ટર, સ્વીમીંગ પુલ, શાળા, લાયબ્રેરી, સ્મશાન, ગાર્ડન
• લાકડા, વોટર કુલર, વોટર પ્યુરીફાયર, વોટર હીટર
• મનપાની મિલ્કતમાં ટયુબલાઇટ, પંખા, થાંભલા, સોલાર લાઇટ
• સોસાયટીઓ, આવાસોમાં પાઇપલાઇન, ફૂટપાથ, પેવીંગ બ્લોક
• શાળાઓમાં પાણી, કમ્પાઉન્ડ વોલ, પંખા, શૌચાલય, પાણીની ટાંકી
• શાળામાં બાલક્રિડાંગણ, આંગણવાડીમાં અંગ કસરતના સાધનો
• ડસ્ટબીન માટે, આંગણવાડી બાંધકામ માટે
• આરોગ્ય વિષયક સાધનો, બગીચાના વિકાસ, ચબુતરા
• અંતિમ ધામોમાં રસ્તા, ગટર, પાણી, દરવાજા
• ફિઝીયો સેન્ટર અને હેલ્થ કલબમાં નવા સાધનો
• શાળા અને મ.ભોજન યોજના માટે પાથરણા, આસન પટ્ટા, બેંચ, કોમ્પ્યુટર ફર્નિચર
• સોસાયટીઓમાં ચાલી વિસ્તારના નાકે બોર્ડ મુકવા
• ઇડબલ્યુએસ કોલોનીમાં લીકેજ પાઇપલાઇનો બદલવા
• સ્માર્ટ આંગણવાડી, શાળાઓમાં સ્પોર્ટસ-શૈક્ષણિક સાધનોની ખરીદી
• વૃક્ષારોપણ, ટ્રી ગાર્ડ, બ્યુટીફીકેશન, પ્લાન્ટ, કુંડા
• માર્ગ-મકાન અને વન વિભાગની જમીનમાં વૃક્ષારોપણ
• ધાર્મિક સંસ્થાઓમાં વોટર કુલર, આરઓ પ્લાન્ટ, ટ્રસ્ટમાં સુવિધાઓ
• પદાધિકારીઓની ગ્રાન્ટમાંથી એસએસના બાકડા, સોલાર લાઇટ
• સ્ટ્રીટલાઇટ, સીસીટીવી જેવી સામુહિક સુવિધાઓ
રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરોના ગ્રાન્ટનો હવે શહેરના વિકાસના કામોમાં ઉપયોગ થતાં લોકોની સુવિધાઓ પણ વધશે.