રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં જોવા મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સટીના અર્થશાસ્ત્ર ભવનાના આસીસ્ટન્ટ પ્રોફેસર દ્વિઅર્થી સંવાદ અને માર્ક મામલે વિવાદમાં સપડાયા. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ અર્થશાસ્ત્રના પ્રોફેસર સામે દ્વિઅર્થી શબ્દો બોલતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રના પ્રોફેસર ચોક્કસ ચોક્કસ જ્ઞાતિ પર જ મહેરબાન હોવાનો પણ વિદ્યાર્થીનીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટિના આસિસ્ટન્ટ પ્રોફેસરના આવા ગેરલાયક વર્તનને લઈને CMOમાં ફરિયાદ કરી. યુનિવર્સિટીના પ્રોફેસરના કારસ્તાન ખુલ્લા પડતા માહોલ ગરમાયો છે.
વિદ્યાર્થીનીઓએ કરી પ્રોફેસર સામે ફરિયાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 5 વિદ્યાર્થીનીએ અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર સામે ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો. આ વિદ્યાર્થીનીઓએ CMOમાં પત્ર લખી પ્રોફેસરની ગેરવર્તણૂંકને લઈને ફરિયાદ કરી. આ પત્રમાં તેમણે લખ્યું કે આસિસ્ટન્ટ પ્રોફેસર કલાસમાં જ્યારે અભ્યાસ કરાવતા હોય છે ત્યારે અનેક વખત દ્વિઅર્થી શબ્દો બોલતા હોય છે. ગુરુના નામને લાંછન લગાડનાર આ પ્રોફેસર એવા શબ્દો બોલે છે જે સાંભળી તમામ વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મૂકાય છે. કારણ કે કલાસરૂમ છોડી જતા રહે તો પ્રોફેસર હેરાનગતિ કરવા લાગે છે. અને કલાસરૂમમાં બેસી રહે તો વિષયના અભ્યાસના બદલે અણગમતા દ્વિઅર્થી શબ્દો સાંભળવા પડે છે. આખરે પ્રોફેસર હદ વટાવતા યુનિવર્સિટીની 5 વિદ્યાર્થીનીઓએ હિમંત કરી અને CMOને પત્ર લખ્યો. વધુમાં તેમણે એ પણ લખ્યું કે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો સંજય પંડ્યા ચોક્કસ જ્ઞાતિના લોકોને સારા માર્ક આપે છે.
મહિલા આયોગના તપાસનો આદેશ
વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રોફેસરની કરાતી હેરાનગતિને લઈને CMO સુધી ફરિયાદ પંહોચતા મહિલા આયોગે કુલપતિને તપાસના આદેશ આપ્યા છે. મહિલા આયોગ દ્વારા મેલ કરી સમગ્ર મામલાની કુલપતિને જાણ કરવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની ફરિયાદના આધારે મહિલા આયોગે કુલપતિને સમગ્ર મામલે તથ્યતાની તપાસ કરવા જણાવ્યું. વિદ્યાર્થીનીઓની ફરિયાદમાં ખરેખર કેટલું તથ્ય છે તે તપાસ બાદ સામે આવશે. અને જો વિદ્યાર્થિનીઓની ફરિયાદમાં તથ્ય નીકળશે તો યુનિવર્સિટી માટે ગંભીર બાબત સાબિત થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ
હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કથળતા શિક્ષણને લઈને વિવાદમાં જોવા મળી હતી. અગાઉ A ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણનું સ્તર કથળતાં B ગ્રેડ માં આવી ગઈ. યુનિવર્સિટીના 4 ભવનમાંથી પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બજેટમાં મોટી અસમાનતા જોવા મળતાં ગેરરીતિ થયાની શંકા સેવાઈ રહી છે. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અર્થશાસ્ત્ર ભવનાપ્રોફેસર ડો સંજય પંડ્યા સામે તેનાજ ભવનની છાત્રાઓએ CMO સુધી ફરિયાદ કરતા શિક્ષણ જગતમાં માહોલ ગરમાયો છે. વિદ્યાર્થીનીઓની ફરિયાદને પગલે મહિલાઓ આયોગ દ્વારા તપાસના આદેશ છૂટયા છે.