હાઈકોર્ટ દ્વારા તમામ સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરીને જ આવવાના હુકમ બાદ રાજકોટમાં ટ્રાફ્કિ પોલીસ દ્વારા તમામ સરકારી કચેરીઓ જેવી કે મનપા, પોલીસ કમિશનર કચેરી, એસપી કચેરી, મામલતદાર કચેરીના સ્ટાફે હેલ્મેટ વિના આવેલા કર્મચારીઓને સતત ત્રણ દિવસ દંડ ફટકાર્યો હતો.
હાઈકોર્ટના નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુકત ડ્રાઈવમાં ત્રણ દિવસમાં 714 કેસો કરી રૂ.3,59,600 લાખનો દંડ વસૂલ્યો હતો. દિવાળીનું પર્વ નજીક આવતાની સાથે જ પોલીસ અફસરો અને RTOના અધિકારીઓએ હાઈકોર્ટના હુકમને સાઈડમાં રાખી પર્વની ઉજવણી કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ત્યારે *સંદેશ*ની ટીમે રિયાલિટી ચેક કરવા પોલીસ કમિશનર કચેરી, બહુમાળી ભવન અને મહાનગર પાલિકાની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં મોટાભાગના અધિકારીઓ-કર્મીઓ હેલમેટ વિના જોવા મળ્યા હતા. શહેર પોલીસ અને RTOએ સંયુકતમાં ડ્રાઈવના નામે સતત ત્રણ દિવસ હેલ્મેટ ડ્રાઈવ યોજી સરકારી કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓને વગર હેલમેટનો દંડ ફટકાર્યો પરંતુ તેની સાથે શહેરીજનો પણ જે તે કચેરીમાં કામ માટે જતા હોય તે પણ આનો ભોગ બન્યા હતો. પોલીસ કમિશનર કચેરી બહાર હેલમેટ પહેર્યા વગર ટુ-વ્હીલર ઉપર પ્રવેશ કરવો નહીં, જો તમે હેલમેટ પહેર્યા વગર પ્રવેશ કરશો તો ઈ-ચલણ આપવામાં આવશે તેવા બેનરો લગાવ્યા હોવાથી પોલીસ સ્ટાફમાં પણ ભયનો માહોલ છવાયો છે. પોલીસ કર્મીઓ પોલીસ કમિશનર કચેરી બહાર પોતાના વાહનો પાર્ક કરી ચાલીને પ્રવેશ કરે છે હેલ્મેટના નામે પોલીસ અને RTOએ માત્ર દેખાવ પૂરતા ફરમાન કરી હેલ્મેટ ઝુંબેશનું સૂરસૂરિયું કરી દીધું છે. સરકારી કર્મચારીઓ સરેઆમ ફરી ખુલ્લા માથે જોવા મળ્યા હતા.