રાજકોટમાં મહાનગરપાલિકાએ કેકેવી બ્રિજ નીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યું છે. દરમ્યાન કેકેવી બ્રિજ નીચેના ગેમઝોનને લઈને સ્થાનિકો બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ થઈ રહ્યો છે. બ્રિજ નીચે બનાવવામાં આવેલ ગેમઝોનને લઈને લોકો પાસેથી અભિપ્રાય લીધા. વેપારીઓ પણ બ્રીજ ગેમઝોનને લઈને 2 ફેબ્રૂઆરીના રોજ મીટીંગ કરે તેવી શકયતા છે. બ્રિજ ગેમઝોન મામલામાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે.
બ્રીજ નીચેનું ગેમઝોન જોખમી
કોંગ્રેસનું કહેવું છે કે તેમણે લીધેલ અભિપ્રાયમાં લોકોએ બ્રીજ નીચેના ગેમઝોન જોખમી ગણાવતા ભય વ્યક્ત કર્યો.રાજકોટ મનપા દ્વારા કાલાવડ રોડ પર આવેલ કેકેવી બ્રિજ નીચે ગેમઝોન બનાવવામાં આવ્યું. સ્થાનિકોનું કહેવું છે કે ટીઆરપી કાંડને હજી એકવર્ષ પણ થયું નથી ત્યાં ફરી વધુ જોખમરૂપ ગેમઝોન બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.
ટ્રાફિક સમસ્યા વધશે
બ્રિજ પર વાહનો તેમજ ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે. તેવામાં બ્રિજ નીચે તૈયાર થતા ગેમઝોનની જોખમી પ્રોજેક્ટ ગણાવવામાં આવી રહ્યો છે. બ્રિજ નીચે ગેમઝોન બનતાં ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી થશે. સામાન્ય રીતે બ્રિજનું નિર્માણ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા બનાવવામાં આવે છે. પંરતુ બ્રિજ નીચેના ગેમઝોનને કારણે વધુ ટ્રાફિક થશે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. કેકેવી બ્રિજની આસપાસના વિસ્તારમાં સ્કૂલ અને હોસ્પિટલ છે. તો તેમના વાહન કયા પાર્ક થશે તે પણ મુદ્દો છે. સ્થાનિકો ઉપરાંત વેપારીઓ પણ બ્રિજ નીચે બનતા ગેમઝોનથી નારાજ છે.
બ્રીજ ગેમઝોન મામલે વિરોધ
કોંગ્રેસ પક્ષ દ્વારા બ્રીજ ગેમઝોન મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગેમઝોન બનાવવું જોઈએ કે નહીં તેવા અભિપ્રાય લીધા બાદ કાલાવડ રોડ પર બ્રિજ નીચે તૈયાર થતા ગેમઝોન જોખમરૂપ ગણાવતા પ્રોજેક્ટ રદ કરવા અંગે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર અપાયું. કાલાવડ રોડ પર 1 કરોડના ખર્ચે ગેમઝોન તૈયાર થશે. જો કે કે.કે.વી હોલ બ્રિજ નીચે ગેમઝોન બનાવવાના મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ નિવેદન આપતાં જણાવ્યું કે આ ગેમઝોન જોખમરૂપ નથી અને ટીઆરી ગેમઝોન જેવી દુર્ઘટનાની શકયતા નથી.