Priyanka Gandhi: કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપના નેતા નવ્યા હરિદાસે કોંગ્રેસ સાંસદ વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. નવ્યાએ પોતાની અરજીમાં પ્રિયંકા ગાંધીની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણીને પડકારી છે.
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રિયંકા ગાંધીએ પેટાચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રમાં પોતાની અને પોતાના પરિવારની સંપત્તિની સાચી વિગતોનો ઉલ્લેખ કર્યો નથી. આરોપ છે કે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પત્રમાં ખોટા આંકડા આપ્યા છે. નવ્યા હરિદાસનું કહેવું છે કે આ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે તેને ભ્રષ્ટ પ્રથા ગણાવી છે. કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ થયા બાદ પ્રિયંકા ગાંધીના વાયનાડના સાંસદ પર સવાલ ઉભા થયા છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની નેતા નવ્યા હરિદાસ 13 નવેમ્બરે યોજાયેલી વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી રહી હતી. પરંતુ નવ્યા ગાંધી સામે 5,12,399 મતોથી હારી ગઈ હતી. તે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સત્ય મોકેરી થી ઘણા પાછળ ત્રીજા સ્થાન પર હતી.
તમને જણાવી દઇયે કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલીની સાથે સાથે વાયનાડ સીટથી પણ જીત્યા હતા. આ પછી તેમણે રાયબરેલીની બેઠક પોતાની પાસે રાખતાં વાયનાડમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી વાયનાડમાં થયેલી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીનો વિજય થયો હતો.
તેમણે ભાજપના નવ્યા હરિદાસને પાંચ લાખથી વધુ મતોના અંતરથી હરાવ્યા. આ પછી હવે નવ્યા હરિદાસે કેરળ હાઈકોર્ટમાં પ્રિયંકા ગાંધીની સદસ્યતાને પડકારતી અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે આ મામલે સુનાવણી જાન્યુઆરી 2025માં થવાની સંભાવના છે. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી હાઇકોર્ટમાં વેકેશન હોવાથી કેસની સુનાવણીમાં વિક્ષેપ પડશે.
પ્રિયંકા ગાંધી પાસે 4.24 કરોડની કુલ જંગમ સંપત્તિ
પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે 4.24 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 13.89 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. સાથે જ પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેમના પતિ રોબર્ટ વાડ્રા પાસે 37.91 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. આ ચૂંટણી સોગંદનામા મુજબ પ્રિયંકા ગાંધી પર લગભગ 15 લાખ 75 હજાર રૂપિયાનું દેવું છે.