Ias વિક્રાંત પાંડે દિલ્હી મા રેસિડેન્ટ કમિશ્નર બનશે ?
ગુજરાત કેડરના 2005ની બેચના આઇએએસ અધિકારી વિક્રાંત પાંડેનું દિલ્હી ડેપ્યુટેશન પૂર્ણ થયું છે. હાલ તેઓ 13મી ડિસેમ્બર સુધી રજા પર છે પરંતુ સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનું ડેપ્યુટેશન ફરીથી દિલ્હીમાં થાય તેમ છે. જોકે આ ડેપ્યુટેશન નથી પણ કાયમી પોસ્ટિંગ કહેવાય છે. તેમને દિલ્હીમાં રેસિડેન્સ કમિશનર બનાવવામાં આવે તેવી ચર્ચા છે. અમદાવાદ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નવેમ્બર 2019માં તેમને ડેપ્યુટેશન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના આંતરરાજ્ય પરિષદના ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તેમનો પાંચ વર્ષનો ડેપ્યુટેશનનો પિરિયડ પૂર્ણ થયો છે. ગુજરાતમાં અગાઉ તેઓ રાજકોટના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. મૂળ રાજસ્થાનના વતની એવા વિક્રાંત પાંડેએ ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. આ સપ્તાહમાં જ તેમનું પોસ્ટિંગ થાય તેવી સંભાવના છે.
આગામી બજેટ સત્રમાં વિધાનસભા ગૃહમાં જન વિશ્વાસ બિલ લાવવામાં આવશે
ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગો દ્વારા થતાં નાના ગુનાને હવે ગુનો ગણાશે નહીં. વેપારીઓ અને ઉદ્યોગકારો માટે રાજ્ય સરકાર એવો કાયદો બનાવવા જઈ રહી છે કે જે સરળ બનશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા જન વિશ્વાસ બિલને ગુજરાત સ્વીકારી રહ્યું છે અને આગામી ફેબ્રુઆરીએ શરૂ થવા જઈ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં તેને રજૂ કરવામાં આવશે. આ બિલ પસાર થયા પછી નોટિસ અને દંડની કાર્યવાહીમાંથી વેપારીઓ તેમજ ઉદ્યોગજૂથોને રાહત મળશે. એટલે કે નાના ગુનાઓ જેવા કે બોઈલર કે વીજ સંબંધિત કે જમીનને લગતી બાબતોમાં જે પરેશાની થાય છે તેનો અંત આવશે. ફૂડ સેફ્ટી અને પર્યાવરણ જેવા પ્રશ્નોમાં પણ જે શરતચૂક ગંભીર ન હોય તેને હળવાશથી લેવાશે. ખાસ તો આ બિલ લાવવાનો મકસદ અધિકારરાજ અને ભ્રષ્ટાચાર ઘટાડવાનો મુખ્ય છે, જેના અમલથી અધિકારીઓની સત્તામાં ઘટાડો થશે અને ધંધાર્થીઓને મોકળાશ મળશે. કાનૂની જંગ અને વિવાદો પણ ઓછા થશે. જોકે આ બિલમાં ગંભીર ગુનાની સજાઓને વધુ કડક પણ બનાવવામાં આવી છે.
અમદાવાદમાં લોકોના ઝઘડા સુલજાવતી પોલીસ વચ્ચે જ સત્તાની સાઠમારી
અમદાવાદમાં વધતી ગુનાખોરીની વાતો વચ્ચે પોલીસ અધિકારીઓ વચ્ચેના ટંટા છાપરે ચડીને પોકાર્યા છે. એક સિનિયર પોલીસ અધિકારીને એવો વહેમ છે કે અન્ય સિનિયર અધિકારી તેના વિશે ગોસિપ ફેલાવી રહ્યા છે. જ્યારે અન્ય સિનિયર અધિકારીને લાગી રહ્યું છે કે ગોસિપ ફેલાવવામાં એમનું નામ ઉછાળીને કોઈ ત્રીજો જ લાભ લેવાની કોશિષ કરી રહ્યો છે. અંદરોઅંદરના કલેશમાં અમદાવાદની કાયદો વ્યવસ્થા વિશે છાપ ખરડાઈ છે. કરપ્શન અને તોડબાજીના કારણે ઘણા ઓફિસરોનો શહેર નિકાલ થયો છે. છતાં બાકી બચેલા અધિકારીઓ અંદરોઅંદર ઝઘડી રહ્યા છે. ખાસ કરીને પીસીબી પીઆઇની પોસ્ટ એવી છે કે જ્યાં તરલ ભટ્ટ પછી આવેલા બીજા અધિકારીને પણ લલચાવી રહી હતી તેથી તેમને અમદાવાદની બહાર મૂકી દેવામાં આવ્યા છે. ગૃહ વિભાગના ઈશારે રાજ્યના પોલીસ વડાએ અમદાવાદના એક ડઝન પોલીસ કર્મચારીઓની ત્રણ સપ્તાહ પહેલા બદલી કરી છે. આ પૈકી કેટલાક પોલીસ કર્મચારી ગુનેગારોને શરમાવે તેવા કૃત્યો કરી રહ્યા હતા. દારૂ ભરેલી ગાડીઓ લૂંટતી ગેંગના મુખ્ય સૂત્રધારોને પણ યાદીમાં સમાવી લેવામાં આવ્યા હતા. બદલીના આ હુકમો અમદાવાદ શહેરના પોલીસ વિભાગમાં ચાલતી પોલમપોલની ચાડી ખાય છે.
આ પણ વાંચો:
GPSCએ 11 પરીક્ષાની તારીખ જાહેર કરી, કુલ 2800 જગ્યા માટે યોજાશે પરીક્ષા
આઇએએસ ડી.પી. દેસાઈનું ઠેકાણું ફરી બદલાયું
ગુજરાત સરકારે હમણાં જ છ આઇએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં સૌથી અચરજ પમાડે તેવી બદલી રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈની છે. સરકારે તેમનું પોસ્ટિંગ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં કર્યું હતું પરંતુ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની કરુણાંતિકા પછી તેમને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપી હતી. જોકે તેમની કામ કરવાની પદ્ધતિ અને નિયમોની કડકાઈ અન્ય અધિકારીઓને ગમી નહીં, છેવટે તેમણે જાતે જ બદલી માગી લીધી હોવાનું બ્યુરોક્રેસીમાં ચર્ચાઈ રહ્યું છે. સરકારે તેમની બદલી પાછી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં જ કરી છે. એટલે કે તેઓ જ્યાં હતા ત્યાં જ ફરીથી નિમણૂક આપી છે. આ સાથે તેમને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળનો પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ડી.પી. દેસાઈની જગ્યાએ ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે ત્યારે તેઓ અન્ય ઓફિસરો સાથે કેવી રીતે કામ કરી શકશે તે મોટો પ્રશ્ન છે. બીજા આશ્ચર્યજનક બદલી ગૌરાંગ મકવાણાની છે. તેઓ ઘણા સમયથી ઇન્ડેક્ષ્ટ-બીના એમડી તરીકે ફરજ બજાવતા હતા પરંતુ તેમને બદલીને ભરૂચના કલેક્ટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. એવી જ રીતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના એડિશનલ સેક્રેટરી તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે.
સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓ બજેટ બેઠકોમાં વ્યસ્ત
સચિવાલયમાં હાલ ધમધમાટ ચાલે છે, અને એ એ છે બજેટની બેઠકોનો. આ વખતે ગુજરાતનું બજેટ ફેબ્રુઆરીના બદલે જાન્યુઆરીમાં રજૂ થવા જઈ રહ્યું છે. જેને લઈને હાલ મંત્રીઓ અને અધિકારીઓ ઉંધા માથે છે. બજેટની પૂરજોશ તૈયારીઓ વચ્ચે રાજ્યના નાણાં વિભાગના અધિકારીઓ સરકારના અન્ય વિભાગો સાથે પરામર્શમાં રહીને નવી યોજનાઓ અને વિભાગની દરખાસ્તો તૈયાર કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યના માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ ધારાસભ્યો માટેના લક્ઝુરિયસ આવાસ તૈયાર કરવાના કામમાં લાગ્યા છે. સંભવ છે કે બજેટ સત્ર દરમિયાન રાજ્યના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં સેક્ટર-17માં બનાવેલા આવાસમાં રહેવા જતા રહેશે. ગાંધીનગરની સ્થાપના થયા પછી ધારાસભ્યોએ ચોથી વખત તેમના આવાસ બદલ્યા છે. 2022માં જૂના સદસ્ય નિવાસને તોડીને તે જમીન પર નવા આધુનિક સદસ્ય નિવાસ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 310 કરોડ થવાનો છે.
ઉદ્યોગ વિભાગ ફુલ ફોર્મમાં
ગુજરાતમાં ઉદ્યોગ વિભાગ અત્યારે ફુલ ફોર્મમાં છે. મમતા વર્માએ ચાર્જ સંભાળ્યા પછી તેમણે નવા ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ નિવારવાની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ પણ બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવામાં લાગી ગયું છે જે પૈકી રાજ્યમાં નવી 21 ઔદ્યોગિક વસાહતો જાહેર કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી હતી તેનો નિવેડો આવી ગયો છે. રાજ્યના ઉદ્યોગ મંત્રીએ એવી સૂચના આપી છે કે નવી જંત્રીના સુધારેલા દરો લાગુ પડે તે પહેલા આ ઔદ્યોગિક વસાહતોની કામગીરી પૂર્ણ થઈ જવી જોઈએ. રાજ્યમાં હાલ 239 ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જે નવી વસાહતો બનાવવાની થાય છે તેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમરેલી, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, છોટા ઉદેપુર, આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ નવી વસાહતો શરૂ કરવાની માગણી સ્થાનિક ધારાસભ્યો અને કેટલાક ઉદ્યોગજૂથો સાથે સંકળાયેલા સંગઠનોએ કરી હતી જેને સરકારે સ્વીકારી છે.
આ પણ વાંચો:
‘હિન્દુઓ પર હુમલા સહન નહીં થાય’ બાંગ્લાદેશમાં પહોંચ્યા બાદ ભારતના વિદેશ સચિવનું કડક વલણ
નશાબંધી વાળા ગુજરાતમાં દારૂ પીને વાહન નહીં ચલાવવાના સૂચક બોર્ડ
ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ પ્રતિવર્ષ વધતી જાય છે. શહેરોમાં માલેતુજાર નબીરાઓ મધ્યરાત્રિએ મોજમસ્તી કરવા માટે દારૂ પીને છાકટા બની જતા હોય છે. પોલીસને આવી ઘટનાઓ કદાચ સામાન્ય લાગતી હશે પરંતુ જે ઘરના નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાય છે તે પરિવાર પર શું વિતતી હશે તેની કલ્પના પણ કઠિન છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે દારૂ બનાવવા, વેચવા અને પીવા માટે સેટિંગ ચાલે છે પરંતુ ઓવરડોઝમાં ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જે તો પણ તેને છોડાવવાના સેટિંગ ચાલે છે. ગુજરાત નશામાં ઝૂમી રહ્યું છે. વર્ષે દહાડે 10 કરોડનો દારૂ પકડીને દેખાડતી પોલીસ હિટ એન્ડ રનની ઘટનાઓ અટકાવી શકતી નથી. ગૃહ વિભાગના આંકડા પ્રમાણે 2024ના છ મહિનામાં જ દારૂ પીને વાહન ચલાવવાના 14775 કિસ્સા નોંધાયા છે, જ્યારે 2020થી 2023 દરમિયાન હિટ એન્ડ રનના 4860 કેસોમાં 3449ના મોત થયા છે અને 2720ને ઈજાઓ થઈ છે. આટલી મોટી સંખ્યામાં ઘટનાઓ બની રહી છે છતાં પોલીસની ડ્રાઈવ ઘટના બન્યા પછી માત્ર ત્રણ કે ચાર દિવસ પુરતી જોવા મળે છે. ગુજરાત નશાબંધીને વરેલું રાજ્ય છે છતાં આશ્ચર્ય સાથે માર્ગો પર દારૂ પીને ગાડી ચલાવવી તે ગુનો છે તેવા બોર્ડ ઠેર ઠેર જોવા મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર