ગાંધીનગર: સુરતના ડુમસમાં આવેલી 2000 કરોડની સરકારી પડતર જમીનમાં ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરીને જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં અધિકારીઓનો ભોગ લેવાયો હતો, પરંતુ પડદા પાછળના રાજકીય નેતાઓનો વાળ પણ વાંકો થયો નથી. આ કેસમાં તપાસ સોંપવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે ગયા જુલાઈ મહિનામાં વલસાડના જિલ્લા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા હતા. સરકારી જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી શકાતું નહીં હોવાનો નિયમ છે છતાં તત્કાલીન કલેક્ટરે આ કૌભાંડ કર્યું હોવાનું સામે આવતાં સરકારે અનેક ફરિયાદોના આધારે પગલાં લીધા હતા. સરકારે આ હુકમ સામે સ્ટે તો આપી દીધો હતો પરંતુ હવે નિયમાનુસાર નક્કી કરવાનું રહે છે કે આયુષ ઓક માટે કયો નિર્ણય લેવો. સચિવાલયમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અગાઉ ઘણાં અધિકારીઓ સસ્પેન્શન પછી સરકારમાં પાછા આવી ગયા છે તેમ આયુષ ઓક પણ ઝડપથી પાછા આવી શકે તેમ છે. જો તેમ થાય તો તપાસના અંતે એવું સાબિત થશે કે આયુષ ઓકને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે આ અધિકારીને પાછા નોકરીમાં લઇ રહી છે.
આરોગ્ય વિભાગમાં અંદરો અંદર ખટરાગ
રાજ્યનો આરોગ્ય વિભાગ અત્યારે ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં ઉજાગરા કરી રહ્યો છે. PMJAY યોજનામાં ખાનગી હોસ્પિટલોની કટકી સામે સરકાર નવા નવા કાયદા ઘડી રહી છે ત્યારે આ વિભાગમાં કામ કરતા અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ વચ્ચે મનમેળ બેસતો નથી તેવી ચર્ચાઓ છે. અગાઉ પણ આરોગ્ય વિભાગમાં જે જોડી હતી તેમની વચ્ચે ખટરાગ પેદા થયેલો હતો. ચર્ચા એવી છે કે આ બંને ઓફિસરોમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ જે સૂચનો આપે છે તે વિભાગના વડા ધ્યાને લેતાં નથી. કમિશનર કચેરી એ આરોગ્ય વિભાગનો જ એક ભાગ છે. છતાં બંને ઓફિસરો વચ્ચે સંકલન સાધી શકાતું નથી, પરિણામે અન્ય અધિકારીઓ મુંઝવણ અનુભવી રહ્યાં છે. વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ મનોજ અગ્રવાલના સ્થાને સરકારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેમની ખાલી પડેલી જગ્યાએ ધનંજય દ્વિવેદીને નિમણૂક આપી હતી. એવી જ રીતે હર્ષદ પટેલને પણ આ જ દિવસે આરોગ્ય કમિશનરની જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. બંનેનું પોસ્ટીંગ એકસાથે જ થયું છે પણ મનમેળ બેસતો નથી. હર્ષદ પટેલ માટે સચિવાલયમાં એવું ચર્ચાય છે કે તેઓ કામને વધુ આગ્રહ આપે છે અને બોલ્ડ નિર્ણયો લેતાં ખચકાતાં નથી તેથી તેમની વારંવાર બદલી થઇ જાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમની અનેક જગ્યાએ બદલી થયેલી છે.
આ પણ વાંચો:
અમદાવાદ: ફોર્ચ્યુનર કાર પોલીસ પર ચઢાવાનો કર્યો પ્રયાસ, પતિ-પત્નીને જેલના સળીયા ગણવા પડ્યા
આઈપીએસ શમશેરસિંહનું ડેપ્યુટેશન પર દિલ્હી જવાનું ફાઇનલ
રાજ્યમાં આઇપીએસ કેડરના સિનિયર મોસ્ટ અધિકારી શમશેરસિંહ ડેપ્યુટેશન પર દિલ્હી જઇ રહ્યાં હોવાનું લગભગ ફાઇનલ માનવામાં આવે છે. તેમની જરૂરિયાત નવી દિલ્હીમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થવાના છે ત્યારે તેમની નિવૃત્તિ પણ દિલ્હીમાં થઇ શકે તેમ છે. બીજી તરફ રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ પછી તેમની ખાલી પડેલી ઇન્ટેલિજન્સ બ્યુરોની જગ્યાએ કોને મૂકવા તેની ગોઠવણ ચાલી રહી છે. તાજેતરમાં જ દિલ્હી ડેપ્યુટેશનથી પાછા બોલાવવામાં આવેલા પિયુષ પટેલ આ પોસ્ટ માટે ફીટ બેસે તેવા છે તેથી આઇબીનો હવાલો તેમને સોંપાય તો નવાઈ પામવા જેવું નથી. સાથે સાથે એસીબીનો ચાર્જ પણ તેમને સોંપાય તેવી સંભાવનાઓ છે.
પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં પ્રમોશન આવશે
સરકારમાં સિનિયર અધિકારીઓ ઘટી રહ્યાં છે. ત્યારે પોલીસમાં મોટા પાયા પર પ્રમોશન પણ આવી રહ્યાં છે. હાલ પોલીસ વિભાગમાં પણ આઇએએસની જેમ વધારાના હવાલા સોંપવામાં આવેલા છે. એક આઇપીએસ અધિકારીએ કહ્યું હતું કે સરકાર બદલીઓ અને પ્રમોશન કરે તો બધાં ઠેકાણે પડે તેમ છે. સરકારની ગુડબુકમાંથી બે અધિકારીઓ દૂર થયેલા છે જે પૈકી રાજુ ભાર્ગવને રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન નડી રહ્યો છે અને જેલના વડા કે.એલ.રાવને પ્રાઇમ પોસ્ટીંગની સંભાવના નથી. રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવેલા બ્રિજેશ જા ને અત્યારે બદલીઓ ન થાય ત્યાં સુધી ડિસ્ટર્બ કરી શકાય તેવા નથી. ચાલુ સપ્તાહમાં પોલીસ બેડામાં એરેજમેન્ટ ગેપ સિવાય બીજા કોઈ મોટા ફેરફારો થવાની સંભાવના દેખાતી નથી.
આ પણ વાંચો:
યુવકનું અપહરણ કરી ડિજિટલ કરન્સી ટ્રાન્સફર કરાવી, સુરતમાં લૂંટનો ચોંકાવનારો કિસ્સો
વનવિભાગના ચીફ તરીકે નિત્યાનંદ શ્રીવાસ્તવની પસંદગી
ગુજરાતના વન વિભાગના ચીફ તરીકે રાજ્ય સરકારે 1988ની બેચના આઇએફએસ અધિકારી નિત્યાનંદ શ્રીવાસ્તવાને પ્રમોશન આપીને પસંદ કરવામાં આવ્યા છે. આ અધિકારી વન વિભાગમાં સિનિયર મોસ્ટ છે. તેઓ રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ છે. તેમને અચાનક પ્રમોશન આપવા પાછળ મહત્વનું કારણ એ છે કે, ભારતીય વન સેવામાંથી ઉમેશ્વર દયાલ સિંઘ દૂર થયાં છે. રાજ્ય સરકારે તેમને નિવૃત્તિ માટે મંજૂરી આપી દીધી છે, તેથી તેમની ખાલી પડેલી જગ્યાએ બીજા સિનિયર અધિકારીને મૂકવાના હોવાથી આ પ્રમોશન અપાયું છે. ઉમેશ્વર સિંઘ બિહારી છે અને નિત્યાનંદ પણ બિહારના વતની છે. એટલે કે ગુજરાતના વનવિભાગના ચીફ બિહારી જ આવી રહ્યાં છે. જોકે નિત્યાનંદનો સમયગાળો બહુ નથી. તેઓ ડિસેમ્બર 2024માં જ નિવૃત્ત થવાના છે. એટલે કે તેમના પછી સિનિયોરિટીમાં અનિરુદ્ધ પ્રતાપસિંઘ અને જયપાલસિંઘ આવે છે. આ બંને વન અધિકારી હાલ એપીસીસીએફ છે. હજી ગયા મહિને જ સંજય કુમાર મહેતા નિવૃત્ત થયાં છે. ગુજરાતના વન ખાતામાં હજી પણ 37 આઇએએફએસ અધિકારીઓની ઘટ પ્રવર્તી રહી છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને આડેહાથ લીધા
ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ અધિકારીઓને આડેહાથ લીધા છે. હળવાશથી તેમણે એવો ટોણો માર્યો હતો કે સરકારી તંત્રના અધિકારીઓએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે ખોટું કરનારા લોકોના મનમાં બીક રહે. ‘બોનાફાઇડ ઇન્ટેન્શન’થી થયેલી ભૂલો ચલાવી શકાશે પરંતુ ‘માલાફાઇડ ઇન્ટેન્શન’થી કોઈ કાળે ચલાવી લેવાશે નહીં. સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે, કોઈપણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવા અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ન થાય એવો અભિગમ જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ શબ્દો ઘણું કહી જાય છે. હાલ સરકાર અને પોલીસની ખરડાયેલી છબીને સુધારવા માટે તેમણે આવો ટોણો માર્યો હશે. સચિવાલય અને જિલ્લા કક્ષાએ વહીવટમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર અને નકલીઓની ભરમાર વચ્ચે તેમનું આ વિધાન ઘણું સૂચક માનવામાં આવે છે. બ્યુરોક્રેસીમાં ચાલતી ચર્ચાઓ મુજબ હાઈકમાન્ડના ઈશારે હવે મુખ્યમંત્રી થોડા સખ્ત બની રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનમાં કોઈ અધિકારી ચૂં કે ચા કરી શકતા ન હતા. એ સમયે વહીવટી તંત્રની છબી સ્વચ્છ અને કર્મયોગી સ્ટાઈલની હતી.
સતત 11 વાર એક્સટેન્શન મળ્યું હોય તેવા કૈલાસનાથન પહેલા અધિકારી
ગુજરાતના મુખ્યમંત્રીના ભૂતપૂર્વ ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા પછી ગુજરાતની તેમની કદાચ બીજી મુલાકાત હશે. તેઓ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના ચીફ તરીકે હજી કાર્યરત છે. તાજેતરમાં જ તેઓ આ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા કાર્યો અને ભવિષ્યના આયોજન અંગે અમદાવાદ આવ્યા હતા. એટલે કે પુડુચેરી ગયા પછી કૈલાસનાથને ગુજરાત છોડ્યું નથી. તેઓ હાલની સ્થિતિએ પણ દિલ્હી હાઈકમાન્ડના સતત સંપર્કમાં છે. ગુજરાતથી ભલે દૂર ગયા હોય પણ તેમની નજર તો ગુજરાત પર મંડરાયેલી જ છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં સતત 11 વર્ષથી એક્સટેન્શન મેળવ્યું હોય તેવા આ પહેલા અધિકારી છે. તેઓ ગયા જૂન મહિનામાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વિદાય થયા હતા. 1979ની બેચના ગુજરાત કેડરના આ અધિકારી 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવી રહ્યાં હતા અને 2013માં નિવૃત્ત થયા હતા પરંતુ તેમને સરકારે 2024 સુધી એક્સટેન્શન આપ્યાં હતા. હાલ તેઓ પુડુચેરીમાં બંધારણીય કમાન સંભાળી રહ્યાં છે. સ્વર્ણિમ સંકુલમાં કામ કરતા એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના વહીવટી તંત્રમાં કૈલાસનાથનની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે.
આ પણ વાંચો:
‘જે કાયદાનું ઉલ્લંઘન કરશે તેનો વરઘોડો નીકળશે’ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી
2025માં વહીવટી સેવાના અધિકારીઓને મળશે પ્રમોશન
એક મહિના પછી 2025નું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે સરકારી બાબુઓ માટે અનેક આશા અને ઉમંગ લઈને આવશે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વર્ષમાં જ ભારતીય વહીવટી સેવાઓના અધિકારીઓને પ્રમોશન મળવાની સંભાવના વધી રહી છે. નવા અધિકારીઓ નોકરીમાં આવી રહ્યાં છે અને જે લોકો ડેપ્યુટેશન પર છે તેઓ પરત ફરી રહ્યાં છે. તાજેતરમાં જ ગુજરાત વહીવટી સેવામાં 15 અધિકારીઓનું આગમન થયું છે. નવા વર્ષે 1લી ફેબ્રુઆરી 2025માં નવા ચીફ સેક્રેટરી તરીકે મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોષી બિરાજમાન થાય તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે. તેઓ સત્તાવાર જવાબદારી સંભાળે તે પહેલાં નવ દિવસ માટે તેમને સરકારે મુખ્યસચિવની જવાબદારી સોંપી છે, કારણ કે હાલના ચીફ સેક્રેટરી રાજકુમારના પુત્રના લગ્ન હોવાથી તેઓ રજા પર છે. સચિવાલયમાં અન્ય અધિકારીઓ કહી રહ્યાં છે કે નવી તક મળે તે પહેલાં પંકજ જોષી ચીફ સેક્રેટરીનું ટ્રાયલ રન કરી રહ્યાં છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર