ભરતસિંહ સોલંકી પાછા રાજનીતિ કરશે?
કોંગ્રેસના રાજકારણને તિલાંજલિ આપનારા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પાછા રાજનીતિમાં પદાર્પણ કરી રહ્યા છે. તેમણે 26મી નવેમ્બરે અમદાવાદ નજીક સોલા-ભાડજ સ્થિત નિસર્ગ ફાર્મમાં ‘જન યોદ્ધા દિવસ’ની ઉજવણી રાખી છે. આ ઉજવણીને તેમનું શક્તિ પ્રદર્શન ગણી શકાય તેમ છે. ‘સંઘર્ષ, સાહસ અને સિદ્ધિની ઉજવણી’ એવું નામ તેમણે આપ્યું છે. શૂન્યમાંથી સર્જન કરી વિપરીત પરિસ્થિતિમાં કમબેક કરનારા જનમિત્ર ભરત સોલંકીના જન્મદિનને ‘જન યોદ્ધા દિવસ’ તરીકે મનાવવા તેમના કાર્યકરો થનગની આમંત્રણ પત્રિકાઓ વહેંચી રહ્યા છે. જોઈએ હવે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના આ પુત્ર રાજનીતિમાં કમબેકથી ગુજરાત અને તેમના ખુદના ભાવિને ક્યાં લઈ જાય છે. 1953માં જન્મેલા ભરતસિંહ ગુજરાત કોંગ્રેસના 25મા પ્રમુખ હતા. 2004 અને 2009માં બે વખત આણંદ લોકસભાના સાંસદ રહી ચૂક્યા પછી 2014માં ભાજપના દિલીપ પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા.
ગુજરાતના પ્રવાસન વિભાગનો અનોખો પ્રયોગ
ગુજરાતના પ્રવાસન વિભાગે આ વખતે અનોખો પ્રયોગ કર્યો છે. રાજ્યમાં ઉત્સાહી ફોટોગ્રાફરોના ફોટોગ્રાફ 2025ના ટુરિઝમ કેલેન્ડરમાં સમાવવા માટે બે સ્પર્ધાઓ યોજી છે, જેનો ઉદ્દેશ રાજ્યમાં છુપાયેલી અને નયનરમ્ય તસવીરોને ઉજાગર કરવાનો છે. ‘હિડન જેમ્સ ઓફ ગુજરાત’ સ્પર્ધામાં ફોટોગ્રાફરોને સુંદર દૃશ્યો શોધવાની તક આપી છે. બીજી સ્પર્ધા એ ‘બર્ડ્સ આઇ-વ્યૂ’ હતી જેમાં ડ્રોન દ્વારા ગુજરાતની ભવ્યતા અને પ્રાકૃતિક સૌંદર્યને નવો દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં વિજેતાઓના દૃશ્યોને આઇકોનિક સ્થળે દર્શાવવાની તક મળશે. સ્પર્ધા તો પૂરી થઈ ચૂકી છે અને આવેલી તસવીરો અને સુંદર દૃશ્યોને ટુરિઝમના કેલેન્ડર તેમજ ટુરિઝમની સોશ્યલ સાઇટ્સ પર પ્રસારિત કરવામાં આવશે. આવો પ્રયોગ કદાચ ગુજરાતમાં પહેલીવાર થયો છે.
દાદાની હિટલિસ્ટમાં છે આ અધિકારીઓ
ગુજરાતમાં ભ્રષ્ટાચાર માત્ર શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ અને ગૃહ વિભાગમાં જ થાય છે તેવું નથી પરંતુ સરકારનો નાનામાં નાનો વિભાગ પણ ભ્રષ્ટાચારથી બાકાત નથી. લાંચ લેવાનું દૂષણ રાજ્યના 28 વિભાગો અને 89 જાહેર સાહસો અને સરકારી કંપનીઓમાં જોવા મળે છે. હમણાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના પાંચ કર્મચારીઓ જશવંતસિંહ પરમાર, પ્રદીપસિંહ ડામોર, શૈલેષ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદ માહલાને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બદલ ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. છેલ્લા ત્રણ મહિનામાં સરકારી અધિકારી-કર્મચારીઓને અચાનક નોકરીમાંથી પાણીચું આપવાના કુલ 22 કેસો થયા છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભ્રષ્ટાચાર અને ખાતાકીય તપાસ ચાલતી હોવા છતાં 100થી વધુ અધિકારી-કર્મચારી સાઇડ પોસ્ટિંગમાં ફરજ બજાવી રહ્યા છે. એટલે કે હજી મુખ્યમંત્રીના હિટલિસ્ટમાં ઘણા અધિકારીઓ છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બનાવશે નવી પાર્ટી
ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલની જેમ એક સમયના મજબૂત નેતા શંકરસિંહ વાઘેલા સ્પેસ-શટલની જેમ રાજનીતિ ચલાવી રહ્યા છે. કોઈપણ ચૂંટણી આવે એટલે નવી પાર્ટીનું ગઠન કરે છે અને ચૂંટણી પછી વિસર્જન કરે છે. 1995માં કેશુભાઈ પટેલ સરકારમાં બળવો કરીને મુખ્યમંત્રી બન્યા પછી જ્યારે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો ત્યારે અલગ પાર્ટીની રચના કરનારા શંકરસિંહ વાઘેલા આખા બોલા અને જનતાને મોહી લેતા પ્રવચનો કરનારા એકમાત્ર નેતા છે. ગુજરાતમાં તેમની છાપ બળવાખોર નેતા તરીકે પડી છે, કારણ કે તેમણે પહેલાં ભાજપમાં અને પછી કોંગ્રેસમાં બળવો કર્યો છે. હવે તેઓ 22મી ડિસેમ્બરે શક્તિ પ્રદર્શન કરીને ગુજરાતમાં એક નવી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)’ ની જાહેરાત કરવાના છે. સ્થાપન અને ઉત્થાપનમાં બાપુ અડધોડઝન રાજકીય પક્ષોમાં રહ્યા છે. 1969માં જનસંઘમાં જોડાયા પછી ભાજપમાં રહ્યા. 1995માં ‘મહા ગુજરાત જનતા પાર્ટી (એમજેપી)’ અને 1996માં ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’ની રચના કરી હતી. ત્યારપછી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. 2017માં તેમણે ‘જનવિકલ્પ પાર્ટી’ બનાવી હતી, ત્યારબાદ 2019માં ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી’ બનાવી હતી. હવે 2024માં ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ બનાવવા જઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે તેઓ ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઉમેદવારો ઉભા રાખી ગ્રાઉન્ડ લેવલથી પાર્ટીની શરૂઆત કરશે. આ પાર્ટીમાં વડોદરાના પૂર્વ મેયર રાજેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે અને પાર્થેશ પટેલ ખજાનચી હશે.
જંત્રી દરમાં વધારો થતા રાજ્યની રિયલ એસ્ટેટ લોબી નારાજ
ગુજરાતમાં ફરી એકવાર રિયલ એસ્ટેટમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. જમીન અને મિલકતોની કિંમતમાં બમણો વધારો થાય તેવી સ્થિતિ ઉત્પન્ન થવાની છે. આ સંજોગોમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મેટ્રોસિટીમાં ઘરનું ઘર લેવાનું સામાન્ય વ્યક્તિ માટે સપનું બની રહેશે. રાજ્યના મહેસૂલ વિભાગે 2023ના એપ્રિલ મહિનામાં જાહેર કરેલી જંત્રીનો સાયન્ટિફિક સર્વે કરાવીને નવી જંત્રીના દરો લાગુ કરવાનું નક્કી કર્યું છે, જેમાં ત્રણ ગણો વધારો સૂચવાયો છે. જોકે રાજ્યની રિયલ એસ્ટેટ લોબી આ વધારાથી નારાજ છે, કારણ કે તેનાથી જમીન અને મિલકતો મોંઘીદાટ થઈ જતાં ખરીદદારો મળશે નહીં. દરોની સુધારણા માટે શહેરોમાં 23846 વેલ્યુઝોન અને ગ્રામ્યમાં 17131 ગામોનો ફિલ્ડ સર્વે કરાવ્યો છે. હાલ તો નવી જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરીને લોકોના અભિપ્રાય અને સૂચનો માટે પ્રસિદ્ધ કર્યો છે પરંતુ જો તેનો અમલ થશે તો મધ્યમવર્ગના લોકો ઘરનું ઘર ખરીદી શકશે નહીં, કારણ કે રિયલ એસ્ટેટમાં જમીન-મિલકતોના ભાવમાં બમણો ઉછાળો આવી શકે તેમ છે.
સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ કરશે
ગુજરાતની 11મી ચિંતન શિબિરનું સમાપન થયું છે તેથી હવે સોમવારથી ફરીથી સચિવાલયમાં ધમધમાટ વધી જશે. હવે તો વાવની ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું છે. સરકારમાં ઉત્સાહનો માહોલ છે. સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં જઈને આવેલા મંત્રીઓ તેમજ સરકારી બાબુઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવી આશા રાખી છે કે અધિકારીઓ લોકોના કામોમાં ઝડપ વધારે અને તેના માટે સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ટાસ્કફોર્સ બનાવીને એક મહિનામાં તેના અહેવાલ અને ભલામણોનો અમલ શરૂ કરાશે. પ્રથમ તબક્કે રાજ્યની પ્રજાલક્ષી યોજનાઓના ઝડપી અમલ માટે એઆઇનો ઉપયોગ કરાશે. આ ટાસ્કફોર્સમાં કયા કયા અધિકારી અને નિષ્ણાતોને સમાવવામાં આવશે તેની ચર્ચા આવતા સપ્તાહમાં શરૂ થશે. ચિંતન શિબિરમાં એન-વિડીયાના ડાયરેક્ટર જીગર હાલાણીએ રજૂ કરેલા પ્રેઝન્ટેશનને સરકારે બહાલી આપી છે. આ ટાસ્કફોર્સમાં તેમની નિયુક્તિ તો નિશ્ચિત માનવામાં આવે છે. હાલ કેન્દ્ર સરકારે એઆઇનો અમલ શરૂ કર્યો છે તેના પગલે ગુજરાત પણ શરૂ કરી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર