- ચીકાસા ગામ પાસે ભાદર નદીના પાણી રોડ પર ફરી વળ્યા
- પોલીસે સાવચેતીને પગલે બેરિકેટ લગાવી રસ્તો બંધ કર્યો
- ચીકાસા ગામના ખેતરો, ઘરોમાં પાણી, પશુપાલકોએ ઢોર રસ્તા પર બાંધ્યા
રાજ્યમાં વરસેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યારે પોરબંદર-સોમનાથ હાઈવે પણ છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ છે અને ચીકાસા ગામ પાસે ભાદર નદીના પાણી ફરી વળ્યા છે.
હાઈવે રોડ બંધ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા
તમને જણાવી દઈએ કે ચીકાસાથી નારવાય મંદિર સુધી 3 કિલોમીટરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં પોલીસે બેરિકેટ લગાવીને આ રસ્તો બંધ કર્યો છે. ચીકાસા ગામના ખેતરો અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે પશુપાલકોએ પણ ઢોરને રસ્તા પર બાંધ્યા છે તો બીજી તરફ હાઈવે રોડ બંધ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે.
5 હજાર જેટલા ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા
તમને જણાવી દઈએ કે પોરબંદરમાં ભારે વરસાદના કારણે આશરે 5 હજાર જેટલા ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ 150થી 200 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મોટાપાયે પશુપાલનને ઘણુ નુકસાન થયું છે. શહેરમાંથી 150થી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સામાજિક આગેવાનો સહિત તંત્રના લોકો પણ અસરગ્રસ્તોને સ્થળાંતર કરવા માટે કામે લાગ્યા હતા. પોરબંદરના ખળપીઠ વિસ્તારમાં લોકોના ઘર પણ ડૂબી ગયા છે. પશુઓને રોડ પર રાખવાની સ્થિતિ આવી છે.
રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિનું સર્જન થયું
પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 48 કલાકમાં અવિરત વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પણ બંધ કરવાની નોબત આવી છે. પોરબંદરમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.