- ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
- પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
- દેવભૂમિ દ્વારકાના 6, પોરબંદરના 8 ગામોને એલર્ટ કરાયા
મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેની અસર દરિયાકાંઠા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. પોરબંદરમાં ભારે વરસાદના પગલે દરિયામાં મોજા ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પોરબંદરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે. પોરબંદરમાં ધીમીધારે વરસાદ હજુ યથાવત છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ભારે વરસાદ, પવન અને દરિયામાં ઊંચા મોજા ઊછળવાના પગલે પોરબંદર પોર્ટ પર એલર્ટનું સિગ્નલ લગાવાયું છે. વરસાદની ખતરનાક સિસ્ટમને ધ્યાને રાખી સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે આ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને બંદર તરફ આવવા સૂચન કરતું એલર્ટનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
દેવભૂમિ દ્વારકાના 6, પોરબંદરના 8 ગામોને એલર્ટ કરાયા
ભાણવડનો વર્તુ-2 ડેમના 10 દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવતા દ્વારકાના 6, પોરબંદરના 8 ગામોને એલર્ટ કરાયા કરવામાં આવ્યા છે. ઝારેરા, રાણપરડા, ગોરણા, હર્ષદ, રાવલ, ગાંધવી, ઇશ્વરીયા, ઇશ્વરીયા, ભોમયાવદર,પારાવાળા, ફટાણા, મોરાણા, મિયાણી, સોઢણા, સિંગળા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.