પોરબંદરના આદિત્યાણાના બોરીચા ગામે આજે દરોડો પાડી કુખ્યાત શખસ ભીમા દુલાની પોલીસે ધરપકડ કરી છે.
ગત તા.24/9ના માલધારી વૃદ્ધ પર રસ્તે ચાલવા બાબતના અગાઉના મનદુઃખને લઇને ત્રણ શખસોએ હુમલો કરીને ગંભીર ઈજા કરી હતી. ભીમાના ઘરેથી દારૂ, હથિયારો અને 90 લાખની રોકડ પણ કબ્જે કરાઈ છે. એસપીએ જણાવ્યું હતું કે ભીમા દુલા સામે ઇ.સ. 1975થી 2011 સુધીમાં 48 ગુનાઓ નોંધાયા છે. જેમાં ત્રણ મર્ડરના ગુના છે. જે પૈકી એક ડબલ મર્ડર અને એક સિંગલ મર્ડર ઉપરાંત હત્યાની કોશિશના સાત ગુના, ગંભીર રીતે મારામારીના નવ ગુના, ટાડાના ચાર ગુના, હથિયાર ધારાના સાત ગુના ઉપરાંત પ્રોહિબિશન અને રાયોટિંગના મળી કુલ 48 ગુનાઓ તેના નામે બગવદર, રાણાવાવ, જામજોધપુર, ભાણવડ, જામખંભાળિયા, આણંદ રૂરલ, કુતિયાણા, માધવપુર, કમલાબાગ પોલીસ મથક સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. ભીમાના ઘરેથી દારૂની 3 બોટલ પણ મળી આવતા તે અંગે પ્રોહિબિશનનો ગુન્હો નોંધવામાં આવશે તેવું પણ એસપીએ જણાવ્યું છે.