Last Updated:
વેડા ગામના પ્રજાપતિ પરિવારો દરરોજ 1,500 માટલા બનાવે છે, જેની માંગ ગાંધીનગરથી લઈને સુરત સુધી છે. આ માટલાઓ કુદરતી શીતળતા અને સાફસફાઈ માટે જાણીતા છે.
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના વેડા ગામનું નામ લેતાં જ અચૂક યાદ આવે છે તેના જાણીતા માટલા. મહેસાણાના સાલડી ગામથી થોડું આગળ આવેલા આ સુંદર ગામમાં દરરોજ 1,000 થી 1,500 માટલા બનાવવામાં આવે છે. આ માત્ર એક વેપાર નથી, પરંતુ અહીંના લોકો માટે આ તેમની ઓળખ, પરંપરા અને ગૌરવ છે.
આ ગામમાં મુખ્યત્વે પ્રજાપતિ સમાજના 18થી વધુ પરિવારો પેઢી દર પેઢી માટલા બનાવવાની કળા સાથે સંકળાયેલા છે. અહીંના 70થી વધુ લોકો દરરોજ વિવિધ પ્રકારની માટી ભેગી કરીને ગુણવત્તાવાળી, સાફસુથરી અને પાણી ઠંડુ રાખતી કુદરતી માટલાં બનાવે છે. વેડાના માટલાની માંગ હવે માત્ર ગાંધીનગર કે મહેસાણા સુધી મર્યાદિત નથી – તેઓ અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, આણંદ અને બનાસકાંઠા જેવા અનેક જિલ્લાઓમાં વિતરિત થાય છે.

આધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ અને સરકાર તરફથી મળતી 50%થી વધુ સબસિડીના કારણે આજકાલના કલાકારોને વધુ સારી મશીનો મળી રહી છે – જેમ કે “પગ મિલ” (માટીને ચીકણું કરવા માટે) અને “ચાકડો”, જેના કારણે કામ સરળ બન્યું છે અને ઉત્પાદન ક્ષમતા પણ વધી છે.

આકાશભાઈ પ્રજાપતિ, જેઓ પેઢીઓથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે, જણાવે છે કે અમે રોજના લગભગ 1,500 માટલાં બનાવીએ છીએ. અગાઉની પેઢીઓએ આ કામ ઘણી મુશ્કેલીઓમાં કર્યું, પરંતુ આજે ટેકનોલોજીના સહારે કામ સરળ બન્યું છે. એક માટલામાં અમને 10 થી 15 રૂપિયાનો નફો થાય છે, પરંતુ અમને સૌથી મોટો આનંદ નફામાં નહીં, પરંતુ લોકો અમારી માટલાંને પસંદ કરે એમાં મળે છે.
આ માટલાઓ માત્ર પાણી ઠંડુ રાખવામાં જ સક્ષમ નથી, પરંતુ તેમાં કુદરતી શીતળતા અને સાફસફાઈને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ કારણસર વેડા ગામના માટલાઓ હોલસેલ વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો બંને માટે પ્રથમ પસંદગી બની ગયા છે. ડાયાભાઈ પ્રજાપતિ કહે છે, “માટલાના ઓર્ડરો અમને પહેલેથી જ મળતા હોય છે. લોકો ફોન પર બુકિંગ કરે છે અને જ્યારે માટલા તૈયાર થાય, ત્યારે તેઓ લઈ જાય છે. પરંપરાગત પદ્ધતિથી બનાવેલા અમારા માટલાની લોકપ્રિયતા એવી છે કે ઘણા વેપારીઓ માત્ર વેડા ગામના માટલાની જ માંગ કરે છે.” મહિલાઓએ તેમના પરિવારના આ વ્યવસાયમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, કારણ કે માટલાની કાચી બનાવટ બાદ પોલિશ, રંગ અને આકર્ષક બનાવવા માટેની બધી કામગીરી સ્ત્રીઓ કરે છે.
Mahesana,Gujarat
June 23, 2025 6:07 PM IST
[ad_1]
Source link