- ચૈત્રી નવરાત્રિ ભક્તોના ઘોડાપૂરથી ધજાનો ઢગલો
- ધજાઓ સન્માન સાથે વ્યવસ્થિત જગ્યાએ લઈ જવા માગ
- ભક્તો આસ્થા સાથે માતાજીને ધજા લાવતા હોય છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર દુધિયા તળાવની પાળ નજીક ભક્તો દ્વારા ચૈત્રી માસમાં ચઢાવવામાં આવેલી ધજાઓ ઢગલા સ્વરૂપે રઝળતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જોઈને ભક્તોની લાગણીને ઠેસ પહોંચી હોવાનું સાંભળવા મળી રહ્યું છે.
શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે બિરાજમાન જગત જનની મા કાલિકા ના ચૈત્ર માસમાં દર્શન નો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. જેના પગલે ચૈત્રી નવરાત્રી તેમજ નવરાત્રી બાદ પણ શક્તિપીઠ ખાતે માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતો હોય છે. તેમાં પણ વિશેષ કરીને ગુજરાત ભરમાંથી ભક્તો પગપાળા યાત્રા સંઘો મોટા પ્રમાણમાં આવતા હોય છે. સાથે રથ તેમજ માતાજીની ધજાઓ પણ મોટા પ્રમાણમાં તેઓની સાથે હોય છે. આ ભક્તો દ્વારા ધજાઓ ડુંગર પર આવેલ દુધિયા તળાવની સામેના એક ટાવર પર લગાવવામાં આવેલ જોવા મળતી હતી. જોકે આશ્ચર્યજનક રીતે ઘણી બધી ધજાઓ શનિવારના રોજ ઢગલા સ્વરૂપે નીચે પડેલ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ભક્તો આસ્થા સાથે માતાજીને ધજા લાવતા હોય છે. જે ધજા આ રીતે ઢગલા સ્વરૂપે જોવા મળતા ભક્તોમાં એક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ્ મંદિર ટ્રસ્ટ ભક્તોની સુવિધા અર્થે તેમજ ભક્તોની આસ્થા પ્રત્યે સતત સજાગ રહેતું હોય છે. ત્યારે આ ધજાઓ સન્માન સાથે વ્યવસ્થિત જગ્યાએ લઈ જવામાં આવે તેવી ભક્તોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે. જોકે આ અંગે મંદિર ટ્રસ્ટ વહેલી તકે યોગ્ય કામગીરી કરશે તેઓ આશાવાદ ભક્તો દ્વારા પ્રગટ કરવામાં આવી રહ્યો છે.