- તંત્ર, મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી
- પોલીસ બંદોબસ્ત સાથે જૈન તીર્થંકરની મૂર્તિઓની સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી
- બનાવને પલગે પાવાગઢ ખાતે પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો.
યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસના કામોને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની જૈન તીર્થંકર મૂર્તિઓ તોડી નાખતા થયેલા વિવાદને લઈ આજે વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં સમાધાન કરી જેતે મૂતિઓ જેતે જગ્યા ઉપર ફરીથી સ્થાપિત કરી આપવાનું જણાવતા મામલો હાલ શાંત પડયો છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિરે જવા માટેના જુના પગથિયામાં 700 વર્ષ ઉપરાંત જૂની જૈન તીર્થંકર મૂર્તિઓ મંદિર ટ્રસ્ટ દ્વારા વિકાસના કામોને લઈ નવા પગથિયાં બનાવવા માટે તોડી નાખી બાજુમાં ફેંકી દેવાના આક્ષેપ સાથે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો. રવીવારની મોડી રાત્રે હાલોલ જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઇ પાવાગઢ પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું. જેને લઇ મોડી રાત્રે જિલ્લા પોલીસવડા પણ પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા અને જૈન સમાજની માંગણીને પૂરતો ન્યાય મળશે તેમ જણાવતા જૈન સમાજના લોકો પરત ર્ફ્યા હતા.
આજે સોમવારના રોજ સવારે પોલીસ અધિકારીઓ તેમજ જૈન સમાજના લોકોએ બનાવ સ્થળની મુલાકાત કરી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ કલેક્ટર ડીડીઓ ડી કે બારીયા, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ, મંદિર ટ્રસ્ટમાં પાવાગઢના સ્થાનિક ટ્રસ્ટી વિનોદભાઈ આર વરીયા, અને જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા બાદ કોઈની ધાર્મિક લાગણી ન દુભાય અને સદ્ભાવના બની રહે તેવા આશય સાથે પરામર્શ કરી નક્કી કરવામાં આવ્યું હતું કે જે તીર્થંકર મૂર્તિઓ કાઢી નાખી છે તેને ફરીથી તે જ જગ્યા પર સ્થાપીત કરી આપીશું. જે ખંડિત થઇ છે તેને પણ યોગ્ય રીતે તૈયાર કરી, તેને પણ જે તે જગ્યાએ સ્થાપીત કરવાનું જણાવતા સમાધાન થઇ ગયું હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળે છે.
જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તીર્થંકર મૂર્તિઓ ગમે તે કારીગર બેસાડી ન શકે. જાણકાર હોય તેવા કારીગર કામ કરી શકે. તે માટે અને હાલમાં હાલોલમાં જૈન મંદિરનું કામ ચાલે છે, તેમાંથી ચાર શિલ્પકારો (સોમપુરા) ની મદદ સાથે તમારા અન્ય કારીગરો સાથે મળી આ ફરી મૂર્તિ સ્થાપીત કરવાનું જણાવતા સોમવારના રોજ બપોર બાદ તે મૂર્તિઓને ફરીથી સ્થાપીત કરવાનું કામ પોલીસ બંદોબસ્ત સાથે શરુ કરી દેવામાં આવ્યું છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે આખરે પોલીસ ફરિયાદ દાખલ
હાલોલ : યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર શક્તિ દ્વારા પાસે જુના પગથિયામાં ઓટલા ઉપર જૈન સમુદાયના નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત થયા બાબતે થયેલ વિવાદને લઈ અંતે સોમવારની ઢળતી સાંજે પાવાગઢ પોલીસ મથકે કોઈ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાઇ છે. યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ ખંડિત તેમજ તોડી પાડવાને લઈ જૈન સમાજ દ્વારા ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઇ જૈન સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. હાલોલના કિરણભાઈ મોહનલાલ દુગ્ગલના મિત્ર 16 જૂનને રવિવારના રોજ પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યારે માતાજીના મંદિરે શક્તિ દ્વાર પાસે મહાકાળી મંદિરના ઉપર જવાના જૂનો રસ્તો આવેલ છે. તે રસ્તા ઉપર જૈન સમુદાયના નેમીનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત તથા તૂટેલી તથા કાઢી નાખેલી અલગ ઓટલા ઉપર મૂકેલી હોય તેમ ટેલિફેન દ્વારા જાણ કરતા ફરિયાદી કિરણભાઈ દુગ્ગલ તેમના સમાજના લોકો સાથે જે તે જગ્યા પર ગયેલા અને મૂર્તિઓને ખંડિત થયેલ જોઈ હતી. જેને લઇ જૈન સમુદાયના સભ્યો નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી કાઢી નાખી હતી. તે અંગે પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Source link