પાટણ શહેર નજીક સરસ્વતી નદીમાં બે દિવસ પૂર્વે ગણેશ વિસર્જન સમય બનેલી ગોઝારી ઘટનામાં એક સાથે એક જ પરિવારના ચાર સભ્યોના દુઃખદ અવસાન થયા હતા. જેને લઈને હવે જિલ્લા વહિવટી તંત્ર સજાગ બન્યું છે અને જિલ્લામાં આવી ઘટનાઓ ન બને તે માટ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત પાટણ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ કાર્યક્રમને લઈ શ્રદ્ધાળુઓ દ્વારા આરતી પૂજન તથા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચોમાસાની સીઝનના કારણે નદી અને તળાવમાં પાણીની આવકમાં વધારો થતાં ગણેશ વિસર્જન દરમિયાન જાનહાની થવાની સંભાવનાઓ રહેલ છે. જેને લઈ પાટણ ખાતે ચાણસ્મા અને સરસ્વતી તાલુકા અને શહેરી વિસ્તારો માં ગણેશ વિસર્જન માટે નામદાર ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ ચોક્કસ સ્થળ નિયત કરી શ્રદ્ધાળુઓના જાનમાલની જાળવણી થાય અને કોઈ અઘટિત બનાવ બનવા ના પામે તે અંગે તકેદારીના પગલા લેતા જણાવેલ હોઈ તાલુકામાં ગણેશ વિસર્જન માટે સામેલ કેટલાક સ્થળ તથા સમય નક્કી કરવામાં આવ્યા છે અને તે માટે કૃત્રિમ કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આવા સ્થળોએ વિસર્જન કુડમાં શ્રદ્ધાળુઓએ જાતે ન ઉતરતા તંત્ર હાજર તરવૈયાઓને ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા માટે આપવાની રહેશે. તે તરવૈયાઓ દ્વારા પાણીમાં ઉતરીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
13 સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા કરાઈ
સરસ્વતી નદી કિનારે આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, કૃત્રિમ કુંડ બનાવીને આ ઉપરાંત પાટણ શહેર, તાલુકો, ચાણસ્મા શહેર તાલુકો અને સરસ્વતી તાલુકાના કેટલાક ગામો મળી જુદાજુદા તેર સ્થળોએ આવી વ્યવસ્થા કરાઇ.
વહિવટી તંત્રના અધિકારી કર્મચારીઓને વિવિધ કામગીરી સોંપવામાં આવી
પાટણને ગણેશ વિસર્જન માટે નક્કી કરેલ સ્થળોએ બેરીકેટીંગ કરવા તેમજ ક્રેન અને સ્થળોએ હેલોઝન લગાવવાનું કહેવામાં આવ્યું છે. તો પોલીસ ઈન્સ્પેકટર, પાટણ એ અને બી ડિવિઝન, તાલુકા પોલીસ બાલીસણા, સરસ્વતી, ચાણસ્માને પણ નક્કી કરેલ સ્થળોએ જાહેર વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવા જણાવ્યું છે.